• ગુરુવાર, 09 જુલાઈ, 2026

સુરતમાં પાણી ઓસર્યાં, નુકસાનીનાં દૃશ્યો ઉભર્યા

સુરત, તા. 8 (અમારા પ્રતિનિધિ તરફથી) : બે દિવસથી ટેક્સટાઇલ સીટી સુરતમાં મેઘો અનરાધાર મંડાયો હતો. આજે આકાશી આફતમાં રાહત મળી પણ વરસાદી પૂર ઓસરતાં નુકશાનીનાં કંપાવનારાં દૃશ્યો સામે આવ્યાં છે. બે દિવસ પડેલા ભારે વરસાદને કારણે શહેરભરની સોસાયટીઓ, રાજમાર્ગો અને કોર્મશિયલ બિલ્ડીંગોમાં જળભરાવ થયો હતો. રાજમાર્ગો પર તો ગઈકાલે મોડી રાત્રિથી પાણી ઓસર્યા હતા. કોર્મશિયલ ઇમારતોના ભોંયતળિયા, ગ્રાઉન્ડ અને પ્રથમ લેવલના પાણી આજે ઉતરવાના શરૂ થતાં નુકશાનના વરવા દૃશ્યો બહાર આવ્યા છે.  દરમ્યાન, આજે મોડીસાંજ સુધીમાં સાપુતારામાં અઢી ઇંચ, આહવામાં એક ઇંચ, વાંસદામાં પોણો ઇંચ ઉપરાંત વધઇ સહિત મોટાભાગના વિસ્તારોમાં મેઘરાજાની હાજરી રહી હતી. દરમ્યાન,શહેરના વરાછા, સરથાણા, કતારગામ, લક્ષ્મણનગર, વેડ, ડભોલી, પાંડેસરા, સીટીલાઇટ સહિતના શહેરી વિસ્તારો અને કામરેજ, પાસોદરા, સચીન, પીપોદરા સહિતના ઔદ્યોગિક વિસ્તારોમાં કેડ ડૂબ વરસાદી પાણી ભરાયા હતા. મોટાભાગના કોમર્શિયલ ઇમારતોના બેઝમેન્ટ, ગ્રાઉન્ડ ફ્લોર તો અમુકમાં પ્રથમ માળ સુધી પાણી ભરાયા હતા. જેના કારણે વેપારીઓને ભારે નુકશાન થયું હતું.  શહેરના વરાછા વિસ્તારનું પોદાર આર્કેટ જ્યાં મોબાઇલ લે-વેચની સૌથી વધુ દુકાનો આવેલી છે ત્યાં આજે સાંજ સુધી પાણી ભરાયેલું હતું. સુરત મનપાએ સમયસર ડ્રેનેજ ઢાંકણા ખોલ્યા ન હોવાનો આક્ષેપ વેપારીઓ કર્યો હતો.  આજે મોટાભાગની કાપડમાર્કેટોમાં પાવર કટ હોવાને કારણે દુકાનો બંધ હતી. વેપારીઓ દુકાનમાં પ્રવેશેલા પાણીને પમ્પની મદદથી બહાર કાઢવામાં વ્યસ્ત રહ્યા હતા. સુરત એમ્બ્રો થ્રેડ અને જરી એસોસીએશનના તુષાર કુવડિયાએ કહ્યું હતું કે, થ્રેડ અને જરી ઉદ્યોગને વરસાદી પાણી ભરાવને કારણે ભારે નુકશાન  થયું છે.  

Panchang

dd