• ગુરુવાર, 09 જુલાઈ, 2026

વરસામેડીમાં 4.77 લાખના ગાંજા સાથે શખ્સની અટક

ગાંધીધામ, તા. 8 : અંજારના વરસામેડીમાં આવેલી શાંતિધામ સોસાયટીમાં બાઇક લઇને જઇ રહેલા શખ્સને પોલીસે પકડી પાડી આ શખ્સ પાસેથી રૂા. 4,77,000નો ગાંજો જપ્ત કર્યો હતો. વરસામેડી શાંતિધામ માધવનગરમાં રહેનાર મુકેશ પાંચા વાલ્મીકિ નામનો શખ્સ હનુમાન ચોક પાસેથી માદક પદાર્થ લઇને પસાર થવાનો હોવાની પૂર્વ બાતમીના આધારે પૂર્વ કચ્છ એસ.ઓ.જી.એ કાર્યવાહી કરી હતી. આ વિસ્તારમાં આવેલી મહાદેવ ફર્નિચર નામની દુકાનની આસપાસ પોલીસે વોચ ગોઠવી હતી, તેવામાં ગઇકાલે મોડી રાત્રે બાતમીવાળું બાઇક આવતું દેખાતાં પોલીસે તેને રોકાવ્યું હતું. મૂળ વાવ-થરાદના આ શખ્સે બાઇક નંબર જીજે-12-એચએ-2316ની પેટ્રોલ ટાંકી ઉપર એક મીણીયું રાખ્યું હતું, જેમાં જુદા-જુદા ચાર પેકેટ સેલોટેપથી વીંટાળેલા હોવાનું જણાયું હતું. જે ખોલીને જોતાં તેમાં વનસ્પતિજન્ય પાંદડા, બી વગેરે દેખાયું હતું. આ ગાંજો હોવાનું આરોપી મુકેશ વાલ્મીકિએ જણાવ્યું હતું. તેને એસ.ઓ.જી. કચેરીએ લઇ જઇ ત્યાં એફ.એસ.એલ. અધિકારીને બોલાવી પ્ર્રાથમિક પૃથક્કરણ કરાતાં આ માદક પદાર્થ ગાંજો જ હોવાનું બહાર આવ્યું હતું. આ પકડાયેલા શખ્સ પાસેથી રૂા. 4,77,000નો 9.40 કિલો ગાંજાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. તેણે આ માદક પદાર્થ ક્યાંથી ? કોની પાસેથી મેળવ્યો હતો ? તથા કોને આપવા જઇ રહ્યો હતો. તે કાંઇ બહાર આવ્યું નથી જેની આગળની વધુ તપાસ પોલીસે હાથ ધરી છે. 

Panchang

dd