જાકાર્તા, તા. 8 : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના
ત્રણ દિવસીય ઈન્ડોનેશિયા પ્રવાસના અંતિમ દિવસે યોગ્યાકાર્તા સ્થિત ઐતિહાસિક પ્રમ્બાનન
મંદિરની મુલાકાત લીધી હતી. લગભગ 1000 વર્ષ જૂના
આ હિન્દુ મંદિરની મુલાકાત દરમિયાન મોદીએ સોશિયલ મીડિયા પર કેટલીક અદ્ભુત તસવીરો અને
વીડિયો શેર કર્યા હતા. નોંધનીય છે કે, ભારત હવે આ મંદિરને નવજીવન આપવા જઈ રહ્યું છે અને બંને દેશ વચ્ચે મંદિરના પુનર્નિર્માણ
તથા જીર્ણોદ્ધારને લઈને સહમતિ સધાઈ છે. મોદી
ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાંતો
સાથે મંદિર પરિસર પહોંચ્યા હતા. તેમણે વિમાનમાંથી જ મંદિરનાં ભવ્ય પરિસરનો એક
વીડિયો શેર કર્યો હતો. ત્યારબાદ બંને નેતાએ યુનેસ્કોની વિશ્વ ધરોહર યાદીમાં સામેલ પ્રમ્બાનન
મંદિરની સંરક્ષણ અને પુન:સ્થાપન પરિયોજનાનો શુભારંભ કર્યો, જેને
ભારત-ઈન્ડોનેશિયા વચ્ચેના સાંસ્કૃતિક સહયોગનો મહત્ત્વપૂર્ણ પડાવ ગણવામાં આવી રહ્યો
છે. આ પહેલાં મંગળવારે બંને દેશે મંદિરનાં સંરક્ષણ અંગે એક લેટર ઓફ ઈન્ટેન્ટ પર પણ
સહમતિ દર્શાવી હતી. મંદિરમાં મોદીએ પૂજા-અર્ચના
કરી અને પરિયોજના સાથે જોડાયેલા અધિકારીઓ સાથે વાતચીત પણ કરી. આ દરમિયાન બંને દેશના
રાષ્ટ્રધ્વજ લહેરાવીને મોટી સંખ્યામાં લોકોએ બંને નેતાનું સ્વાગત કર્યું હતું. પોતાની
એક પોસ્ટમાં મોદીએ મંદિરમાં થયેલા મંત્રોચ્ચારનો વીડિયો શેર કરતાં લખ્યું, `ઈન્ડોનેશિયાના પ્રમ્બાનન મંદિરમાં ૐ નમ:
શિવાય.'