માતાના મઢ (તા. લખપત), તા. 8 : મોટા ભાડરા
ગામે પાણી પુરવઠા વિભાગ દ્વારા વર્ષ 18-19માં ઊંચા ટાંકાના સમ્પ બનાવ્યા પછી પણ તેને પાણીથી ભરતા નહીં
હોવાની ફરિયાદ આવી હતી. સ્થળ નિરીક્ષણ દરમિયાન જાણવા મળ્યું કે, ટાંકાના દાદર જર્જરિત હાલતમાં અને છત નીચેથી
સિમેન્ટના પોપડાં ખરી પડયાં હતાં. લાખોના ખર્ચે થયેલાં નિર્માણકાર્યમાં ભ્રષ્ટાચારની
વાતો કરતા યુવાનોના મત સાથે ગ્રામ પંચાયતે પણ વિભાગને અનેકવાર લેખિત-મૌખિક ફરિયાદ કરી
હોવાનું સામે આવ્યું હતું. નરપતસિંહ જાડેજા, દિલીપસિંહ જાડેજા,
રાજુભા જાડેજાએ વધુમાં જણાવ્યું કે, પાણીના સમ્પનું
ટેસ્ટિંગ બન્યા પછી કરાયું છે કે નહીં તેની જાણ નથી. આ જ પ્રશ્ન દયાપરના પા.પુ. અધિકારી
નવીનચંદ્ર ચૌધરીને પૂછતાં તેઓ આ બાબતે અજાણ છે અને ટાંકાનું નિરીક્ષણ કર્યા બાદ વધુ
વિગતો આપશે તેવું કહ્યું હતું. ઉલ્લેખનીય છે કે, સરકારે કચ્છના
રાપર-લખપત તાલુકાને વિકાસશીલ બનાવવાની દિશામાં નેમ લીધી હોય ત્યારે આવા વિકાસકાર્યોમાં
મજબૂતીકરણ આવશ્યક્તા બની જાય છે. લાખો-કરોડોના ખર્ચે થતા આ કામોમાં ભ્રષ્ટાચાર હશે
તો કુપોષિત વિકાસ જન્મ લેશે જે આગામી પેઢીને નુકસાનકર્તા હોવાનું બૌદ્ધિક વર્ગ જણાવી
રહ્યો છે.