• શુક્રવાર, 10 જુલાઈ, 2026

કાનમેર પાસે લક્ઝરી બસ હડફેટે યુવાનનું મોત

ગાંધીધામ/ભુજ, તા. 8 : રાપરના કાનમેરમાં મિની લક્ઝરી બસ પગપાળા જતા નરેશ રાઘા ડોડિયા (ઉ.વ. 35)ને હડફેટમાં લઇ મોત નીપજાવી નાસી ગઇ હતી. બીજી બાજુ વરસામેડી વેલસ્પન કંપની પાછળ કેનાલમાં ડૂબી જતાં નિર્મલ ચામુ પુરાવ (ઉ.વ. 39)નું મોત થયું હતું. નિંગાળમાં કંપનીમાં ટ્રેક્ટર હડફેટે દિનાનાથકુમાર નાગેન્દ્ર પાસવાન (ઉ.વ. 28)એ જીવ ખોયો હતો તેમજ ગાંધીધામમાં ખાનગી બસ હડફેટે અજાણ્યા યુવાનનું મોત થયું હતું. માંડવીના કોડાય પુલ નજીક રહેતા 28 વર્ષીય યુવાન પ્રદીપ ઉર્ફે પરેશ હીરાલાલ સંઘારે ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હતી. કાનમેર ગામના પાટિયા નજીક વળાંકમાં ગઇકાલે બપોરના અરસામાં જીવલેણ અકસ્માત સર્જાયો હતો. ગામમાં રહેનાર યુવાન નરેશ ડોડિયા ખેતરે આંટો મારવા ગયો હતો. બાદમાં તે પગપાળા જઇ રહ્યો હતો, ત્યારે પૂરપાટ અને ધસમસતી આવતી મિની બસ નંબર ડીડી-02-એચ-9839એ આ યુવાનને હડફેટમાં લીધો હતો. અકસ્માત બાદ ચાલક બસ લઈને નાસી ગયો હતો. ઘવાયેલા યુવાનને સારવાર અર્થે લઈ જવાતાં હોસ્પિટલ ખાતે હાજર તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. બસચાલક સામે મેરામણ રાઘા ડોડિયાએ ફરિયાદ નોંધાવી હતી. વધુ એક બનાવ વરસામેડી વેલસ્પન કંપની પાછળ કેનાલમાં બન્યો હતો. નિર્મલ પુરાવ નામનો યુવાન કેનાલમાં નાહવા પડયો હતો. દરમ્યાન તે ડૂબી જતાં તેનું મોત થયું હતું. વધુ એક બનાવ ભુવડની સૂર્યા કંપનીમાં બન્યો હતો. ઈ.આર.ડબલ્યુ. પ્લાન્ટના હેન્ડલિંગ વિભાગના ગોદામ નંબર-3 નજીક દીનાનાથ નામનો યુવાન કામ કરી રહ્યો હતો. ત્યારે ટ્રેક્ટર નંબર જીજે-12-એએન-6705ના ચાલકે વાહન અચાનક પાછળ લેતાં આ યુવાન પૈડાં નીચે આવી ગયો હતો, જેમાં તેનું મોત થયું હતું. જો કે, ગઈકાલે અંજાર પોલીસ મથકે અકસ્માત મોત નંબર 74/2026 બી.એન.એસ.ની કલમ 194 હેઠળ ગુનો નોંધ્યો હતો, જેમાં આ યુવાનનું પડી જતાં અને મશીનમાં આવી જતાં મોત થયું હોવાનું જણાવાયું હતું. આ અંગે તપાસ કરતા પી.એસ.આઈ. રૂદ્રસિંહ પ્રભાતસિંહ જાડેજાનો સંપર્ક કરતાં તેમણે ફોન ન ઊંચકતાં વધુ વિગતો બહાર આવી નહોતી. જીવલેણ અકસ્માતનો એક બનાવ ગાંધીધામમાં આંબેડકર પુલના છેડા નજીક બન્યો હતો. અહીં પગપાળા જતા અજાણ્યા યુવાનને બસ નંબર જીજે-39 ટી-6814એ હડફેટમાં લેતાં યુવાનનું મોત થયું હતું. આ યુવાને સફેદ શર્ટ, લાલ રંગનું કાળા પટ્ટાવાળું પેન્ટ પહેર્યું છે. ડાબા હાથમાં દિલનું નિશાન અને અંગ્રેજીમાં વી લખેલ છે. તેના પરિવારજનોએ બી-ડિવિઝન ગાંધીધામનો સંપર્ક કરવા પોલીસે જણાવ્યું હતું. કોડાય પુલ નજીક ગુરુકુળની પાછળ વાડી વિસ્તારમાં રહેતા પ્રદીપ ઉર્ફે પરેશ સંઘારે ગત તા. 6/7ની રાતથી બીજા દિવસની સવાર દરમ્યાન કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરના રૂમમાં સાડી વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધાની વિગતો મૃતકના ભાઈ દશરથે કોડાય પોલીસ મથકે જાહેર કરતાં પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી તજવીજ આદરી છે. 

Panchang

dd