• શુક્રવાર, 10 જુલાઈ, 2026

મુંદરા હત્યાના કેસમાં આરોપીને બિહારથી ઝડપી લાવતી મુંદરા પોલીસ

ભુજ, તા. 8 : ગત તા. 2/7ના સાંજે મુંદરામાં ટી-પોઈન્ટ પાસે મૂળ બિહારના એવા અખિલેશકુમાર ફુલેના રાય (ઉ.વ. 35)ના મોંઢા પર ઘા મારી હત્યા અજાણ્યા શખ્સે નીપજાવ્યાનો બનાવ સામે આવ્યો હતો. તપાસમાં આ હત્યા આરોપી તાર્કેશ્વર શિવનારાયણ રાય (રહે. સારન, બિહાર)એ લાકડાના ધોકા મારી કરી હોવાનું સામે આવ્યું હતું. આ હત્યાનો ભેદ ઉકેલવા મુંદરા પોલીસે અગલ-અલગ ટીમો બનાવી છાનબીન - પૂછતાછનો દોર આરંભતાં આરોપી દ્વારા હત્યા નીપજાવી પોતાના વતન ખાતે નાસી છૂટયો હોવાની વિગતો મળી હતી. આરોપી હાલ બિહારના ડુમરિયા ગામે પોતાની ઓળખ છુપાવીને રહેતો હોવાની મુંદરા પોલીસને ખાનગી બાતમી મળી હતી. આથી મુંદરા પોલીસની ટીમના પીએસઆઈ ડી.જે. ઠાકોર સર્વેલન્સ સ્ક્વોડના હે.કો. દર્શનભાઈ રઘુભાઈ, મહિપાલસિંહ અરવિંદભાઈ, પૃથ્વીરાજ સૂરજદાન બિહારના ડુમરિયા ગામે પહોંચી પ્રથમ ત્યાંનાં પહેરવેશનાં કપડાં મેળવી બિહારી વેશભૂષા ધારણ કરીને સ્થાનિકોના સંપર્કોના આધારે બિહારના આર.ટી.ઓ. રજિ.વાળાં વાહનો મેળવી આરોપીને કોઈ પ્રકારનો શક-વહેમ ન જાય તેની સાવચેતી રાખી આરોપીના સંભવિત ઠેકાણાની ખરાઈ કરી ટેકનિકલ સોર્સના આધારે ડુમરિયા ગામની કેનાલ પાસે બાઈક લઈને નીકળતા આરોપી તાર્કેશ્વરને ઓળખી તેનો પીછો કરી કાયદેસરની અટક કરી હતી. મુંદરાના પીએસઆઈ એસ.એમ. રાણાનાં માર્ગદર્શન હેઠળ તેમની ટીમે આ હત્યાના આરોપીને ઝડપી હત્યાનો ભેદ ઉકેલ્યાનું મુંદરા પોલીસે જાહેર કર્યું છે. આ હત્યા પાછળનું કારણ જાણવા મુંદરા પોલીસનો સંપર્ક કરતાં હત્યારાએ હજુ સુધી કંઈ કહ્યું નથી, પરંતુ તપાસ દરમ્યાન સંબંધિતો પાસેથી મળેલી વિગતો મુજબ બંને શખ્સ પીવાની ટેવવાળા હતા અને સંભવત નશાની હાલતમાં કોઈ મુદ્દે ઝઘડો થતાં હત્યા નીપજાવ્યાની સંભાવના દર્શાવી છે. 

Panchang

dd