ભુજ/ગાંધીધામ, તા. 8 : નખત્રાણાના
પારસનગર સોસાયટીના ખુલ્લા પ્લોટમાં પાર્ક થયેલી કારમાંથી પોલીસે રૂા. 1,23,804નો શરાબનો જથ્થો પોલીસે જપ્ત
કર્યો હતો. બીજી તરફ અંજારના ચાંદ્રોડામાં વાડીવિસ્તારમાં દારૂ લઇને બેઠેલા શખ્સને
પોલીસે પકડી પાડી તેની પાસેથી રૂા. 11,250નો દારૂ જપ્ત કર્યો હતો. ગઇકાલે રાત્રે નખત્રાણા પોલીસને પેટ્રોલિંગ
દરમ્યાન ખાનગી બાતમી મળી હતી કે, પારસનગર
સોસાયટીમાં આવેલા ખુલ્લા પ્લોટમાં એક સફેદ હ્યુન્ડાઇ કંપનીની એસેન્ટ કારમાં દારૂનો
જથ્થો ભરેલો છે. આ બાતમીનાં પગલે પોલીસે દરોડો પાડી કાર નં. જી.જે.-01- ડી.ઝેડ.-7445વાળીમાંથી અલગ-અલગ બ્રાન્ડના
શરાબના કવાર્ટરિયા નંગ 806 તથા 24 બિયરના ટીન એમ કુલ્લે રૂા.1,23,804નો શરાબનો જથ્થો તથા કાર કિં.
રૂા. એક લાખ એમ કુલ્લે રૂા. 2,23,804નો
મુદ્દામાલ નખત્રાણા પોલીસે કબજે લઇ અજાણ્યા કારચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ
ધરી છે. આ ઉપરાંત ચાંદ્રોડામાં રહેનાર જગદીશ નારણ ગઢવી નામનો શખ્સ આથમણા વાડીવિસ્તારમાં
દારૂ લઇને વેચાણ કરતો હોવાની પૂર્વ બાતમીના આધારે પોલીસે કાર્યવાહી કરી હતી. આ શખ્સને
બાવળની ઝાડીમાંથી પકડી પાડી તેની પાસેના કોથળામાંથી સ્ટાર ગોલ્ડ 180 મિ.લિ.ના 90 કવાર્ટરિયા કિંમત રૂા. 11,250નો શરાબ જપ્ત કરાયો હતો. ચંદીગઢ
બનાવટનો આ દારૂ તેની પાસે કયાંથી આવ્યો, કોણ આપી ગયું કે તે કોના માટે કામ કરતો હતો તે કાંઇ બહાર આવ્યું નથી.