રાપર, તા. 8 : ગ્રામ્ય વિસ્તારના લોકોને સમયસર અને ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવાઓ
મળી રહે તે માટે સરકાર દ્વારા સબ-સેન્ટરો ચલાવવામાં આવે છે, પરંતુ સ્ટાફની બેદરકારીને કારણે દર્દીઓને હાલાકી
ભોગવવી પડતી હોવાની વ્યાપક ફરિયાદો ઊઠી રહી છે. આવી જ એક ગંભીર ક્ષતિ સામે આવી હતી.
તાલુકા પંચાયત પ્રમુખ રાજેશભાઈ આહીર દ્વારા બપોરે ત્રણ વાગ્યે ઘાણીથર પેટા વિભાગ આરોગ્ય
કેન્દ્રની આકસ્મિક મુલાકાત લેવામાં આવતાં કેન્દ્ર પર ફરજ પર કોઈ કર્મચારી હાજર જોવા
મળ્યા ન હતા. આરોગ્ય કેન્દ્ર સ્ટાફ વિના રામભરોસે ચાલતું હોવાનું માલૂમ પડતાં પ્રમુખે
ભારે નારાજગી વ્યક્ત કરી હતી. ગ્રામીણ વિસ્તારના ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓ જ્યારે
સારવાર માટે અહીં આવતા હશે, ત્યારે સ્ટાફની આવી ગેરજવાબદારીભરી
ગેરહાજરીના કારણે તેમને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હશે તે બાબત અત્યંત ચિંતાજનક
ગણાવી હતી. તાલુકા હેલ્થ ઓફિસરનો સંપર્ક કરી આવા ગુટલીબાજ કર્મચારીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી
કરવા જણાવ્યું હતું. પ્રજાનાં સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનારા કોઈ પણ કર્મચારીને સાંખી
લેવામાં આવશે નહીં તેમ તાલુકા પંચાયત પ્રમુખે જણાવ્યું હતું. આ સરપ્રાઈઝ વિઝિટ બાદ
સમગ્ર પંથકના સરકારી બાબુઓ અને આરોગ્ય વિભાગના કર્મચારીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો.