• શનિવાર, 12 ઑક્ટોબર, 2024

લેબેનોન હવે વોકીટોકી વિસ્ફોટોથી હચમચ્યું

નવી દિલ્હી, તા. 18 : હિઝબુલ્લાહ ઉપર શ્રેણીબદ્ધ હાઈટેક હુમલાના બીજા ભાગમાં હવે વાયરલેસ રેડિયો ડિવાઈસ- વોકીટોકીમાં એક પછી એક વિસ્ફોટોથી લેબેનોન ધણધણી ઊઠયું હતું. પેજર વિસ્ફોટ કરતાં વોકીટોકીમાં ધડાકા વધુ શક્તિશાળી હતા. પ્રાથમિક અહેવાલો મુજબ નવ જણ માર્યા ગયા છે અને સંખ્યાબંધ ઘવાયા છે. એકાદ કલાકની અંદર લેબેનોનમાં હિઝબુલ્લાહના સેંકડો આતંકીઓ પાસેના વોકીટોકીમાં બ્લાસ્ટ થયા હતા અને આમાં જાનહાનિના કોઈ ચોક્કસ આંકડા હજી સુધી મળ્યા નથી. વોકીટોકી ઉપરાંત લેબેનોનનાં કેટલાક સ્થાને હાજરી પૂરવાના બાયોમેટ્રિક મશીનમાં અને સોલારના ઉપકરણો પણ ધડાકા થયા હોવાનું જાણવા મળી રહ્યું છે. ઉશ્કેરાયેલા હિઝબુલ્લાહે ઈઝરાયલ પર વીસ રોકેટ વડે હુમલો કર્યાનો અહેવાલ છે. હિઝબુલ્લાહ ઉપર આ હુમલા પાછળ ઈઝરાયલની જાસૂસી સંસ્થા મોસાદનો હાથ હોવાનું માનવામાં આવે છે. સતત બીજા દિવસે સંચાર ઉપકરણોમાં વિસ્ફોટના અભૂતપૂર્વ ઘટનાક્રમથી ઈઝરાયલે હવે પોતાના દુશ્મનો સામે હાઈટેક જંગ છેડી દીધી હોવાનું ચિત્ર ઉપસી રહ્યું છે.  હિઝબુલ્લાહએ પેજરની જેમ જ વોકીટોકી ઉપકરણો પણ છેલ્લા પાંચેક મહિનામાં જ ખરીદ્યા હોવાનું કહેવાય છે. હિઝબુલ્લાહના ટોચના આગેવાન હાશેમ સફીદ્દીને પોતાનું સંગઠન ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યું હોવાનું કહીને ઈઝરાયલ સામે વેર વાળવાની ધમકી ઉચ્ચારી છે. આજે જે વાયરલેસ રેડિયો ફાટયા છે તેનો ઉપયોગ હિઝબુલ્લાહના આતંકીઓ કરતા હતા અને લેબેનોનના દક્ષિણ હિસ્સા ઉપરાંત રાજધાની બૈરુતના દક્ષિણ ઉપનરીય વિસ્તારોમાં વોકીટોકી ફાટયા હતા. આમાં કેટલાક ધડાકા એવા સ્થાને પણ થયા હતા, જ્યાં પેજર ધડાકામાં મરાયેલા લોકોના અંતિમ સંસ્કાર ચાલી રહ્યા હતા. આજના વોકીટોકી વિસ્ફોટમાં મોટરકારથી લઈને અન્ય વાહનોમાં પણ મોટા નુકસાન થયા છે.  

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang