• શનિવાર, 27 જુલાઈ, 2024

પીઓકે ભારતનું છે અને રહેશે : રાજનાથ

ઈસ્લામાબાદ, તા. 11 : પાકિસ્તાનને સતત આતંકવાદ ઉપર લગામ કસવાનું કહેતા ભારતે હવે મદદનો પ્રસ્તાવ મૂક્યો છે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે કહ્યું છે કે, જો પાકિસ્તાન આતંકવાદીઓને રોકવા માટે સક્ષમ હોય તો ભારત મદદ કરવા માટે તૈયાર છે. ચૂંટણી પૂર્વે પીઓકેને લઇને મોટા નિવેદનમાં રાજનાથે જણાવ્યું હતું કે, હવે તો પીઓકેના લોકો પણ કહે છે કે તેઓ ભારત સાથે રહેવા માગે છે. પીઓકે આપણો ભાગ હતો અને રહેશે. અગાઉ એક ઈન્ટરવ્યૂમાં રાજનાથસિંહે કહી દીધું હતું કે, જો કોઈ ભારતમાં શાંતિ ભંગ કરવાની કોશિશ કરશે તો તેને ઘરમાં ઘૂસીને મારવામાં આવશે.  રાજનાથસિંહના કહેવા પ્રમાણે જો પાકિસ્તાનને લાગી રહ્યું હોય કે આતંકવાદ ઉપર કાબૂ મેળવવામાં તે અસમર્થ છે તો પાડોસી દેશ ભારત છે અને તેનો સહયોગ પ્રાપ્ત કરે. ભારત સહયોગ માટે તૈયાર છે. સાથે ચેતવણી આપી હતી કે આતંકવાદનો સહારો લઈને જો કોઈ ભારતને અસ્થિર કરવાની કોશિશ કરશે તો તેનું પરિણામ ભોગવવું પડશે. રક્ષા મંત્રીએ દાવો કર્યો હતો કે પીએમ મોદીના નેતૃત્વમાં કેન્દ્રમાં સરકાર બન્યા બાદ દુનિયાભરમાં ભારતનું કદ વધ્યું છે. પહેલા આંતરરાષ્ટ્રીય મંચ ઉપરથી ભારત બોલતું હતું તો તેની વાત ગંભીરતાથી લેવામાં આવતી નહોતી. જો કે હવે દુનિયા કાન ખોલીને સાંભળે છે. તેનાથી ખ્યાલ આવે છે કે ભારતનું કદ વધ્યું છે. રાજનાથસિંહે કહ્યું હતું કે, ભારતના રક્ષામંત્રી હોવાના કારણે તેઓ વિશ્વાસ અપાવવા માગે છે કે ભારતનું મસ્તક ક્યારેય નમવા દેશે નહીં. ભારત કમજોર ભારત નહીં પણ શક્તિશાળી બન્યું છે. ભાજપે  દેશમાં રાજનીતિને લઈને લોકોમાં રહેલી ધારણા પણ બદલી છે. ભાજપ જે કહે છે તે કરીને બતાવે છે. દળો મોટાભાગે ઘોષણાપત્રમાં મોટા મોટા વચનો આપે છે કે પણ સત્તામાં આવતા ભૂલી જાય છે. રાજનીતિ માત્ર સરકાર બનાવવા નહીં પણ દેશ બનાવવા કરવી જોઈએ. કામ ભાજપ કરે છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang