• શુક્રવાર, 13 માર્ચ, 2026

મુખ્ય ચૂંટણી કમિશનરને હટાવવાનો પ્રસ્તાવ

નવી દિલ્હી, તા. 12: લોકસભાના સ્પીકર ઓમ બિરલા વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ પછી હવે ચૂંટણી પંચના મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારને પદ પરથી દૂર કરવા માટેના એક પ્રસ્તાવ માટે 200થી વધુ સાંસદોએ નોટિસ પર હસ્તાક્ષર કર્યા છે. સૂત્રોના જણાવ્યા મુજબ, લોકસભાના 130 સાંસદો અને રાજ્યસભાના 63 સાંસદોએ આ નોટિસ પર સહી કરી છે. આ નોટિસ શુક્રવારે સંસદના કોઈ એક સદનમાં રજૂ થવાની શક્યતા છે, જોકે તે કયા ગૃહમાં રજૂ થશે તે હજુ સ્પષ્ટ નથી. વિપક્ષના એક નેતાએ જણાવ્યું હતું કે, સાંસદોએ આ નોટિસને લઈને ઘણો ઉત્સાહ દર્શાવ્યો હતો અને જરૂરી સંખ્યા પૂર્ણ થઈ ગયા પછી પણ ઘણા સાંસદોએ સહી કરી હતી. નિયમો અનુસાર મુખ્ય ચૂંટણી કમિશનરને હટાવવા માટેની નોટિસ પર લોકસભાના ઓછામાં ઓછા 100 સાંસદો અને રાજ્યસભાના 50 સાંસદોની સહી જરૂરી હોય છે. આ નોટિસ પર વિપક્ષી ગઠબંધન ઈન્ડિયાનાં તમામ પક્ષોના સાંસદોએ સહી કરી છે. ઉપરાંત આમ આદમી પાર્ટીના સાંસદોએ પણ નોટિસ પર સહી કરી છે. જોકે આ પાર્ટી હવે સત્તાવાર રીતે આ ગઠબંધનનો ભાગ નથી. મુખ્ય ચૂંટણી કમિશનરને હટાવવા માટે આ પ્રકારની નોટિસ પહેલીવાર આપવામાં આવી રહી છે. નોટિસમાં મુખ્ય ચૂંટણી કમિશનર સામે સાત આરોપ લગાવવામાં આવ્યા છે. જેમાં પક્ષપાત અને ભેદભાવયુક્ત આચરણ, ચૂંટણીમાં થયેલી ગડબડની તપાસમાં ઇરાદાપૂર્વક અવરોધ ઉભા કરવા, મોટાપાયે મતદારોને મતાધિકારથી વંચિત કરવા સહિતનાં આરોપો સામેલ છે. 

Panchang

dd