નવી દિલ્હી, તા. 12 : મધ્યપૂર્વનાં
યુદ્ધને લીધે ગેસ સંકટ શેરીઓથી લઈને સંસદ સુધી ગાજી રહ્યો છે. ઈંધણ કટોકટીનો મુદ્દો
ઉઠાવતા લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, આ તો હજી માત્ર શરૂઆત છે અને આની બહુ માઠી અસરો
થવાની છે. બીજી તરફ પેટ્રોલિયમ મંત્રી હરદીપ પુરીએ જવાબ આપ્યો હતો કે, દેશમાં ઈંધણની કોઈ અછત નથી. 70 ટકા જેટલો તેલનો સ્ટોક હોર્મુઝની ખાડી સિવાયના વિકલ્પોમાંથી
મગાવવામાં આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ મંત્રીઓને આદેશ આપ્યો છે કે, આમઆદમીને કોઈ તકલીફ પડવી જોઈએ નહીં. અમુક લોકો
અફવા ફેલાવે છે, લોકો ગભરાય નહીં, સરકારની
પૂરી તૈયારી છે. દેશભરમાં મોટા ભાગનાં શહેરોમાં ગેસ માટે લોકોએ લાંબી લાઈનો લગાવી છે.
મોટા શહેરોમાં ઘણા રેસ્ટોરેન્ટ પણ બંધ થઈ ગયાં છે. રાહુલ ગાંધીએ પેટ્રોલિયમ મંત્રી
હરદીપ પુરી તરફ ઈશારો કરીને એપસ્ટીન ફાઈલ્સનો પણ ઉલ્લેખ કર્યો હતો, જેને પગલે ગૃહમાં ભારે હંગામો મચી ગયો હતો. બીજીબાજુ પેટ્રોલિયમંત્રી પુરીએ
રાહુલને જવાબ આપતાં કહ્યું હતું કે, ઊર્જાના આધુનિક ઈતિહાસમાં
આવો સમય અગાઉ કયારેય આવ્યો નથી. તેમ છતાં ભારતમાં ઓઈલનો પર્યાપ્ત પુરવઠો છે અને હોર્મુઝ
કરતાં વધુ ઓઈલ અન્ય સ્રોતો પાસેથી મેળવવામાં આવેલું છે. વર્તમાનમાં જે તંગીની સ્થિતિ
જોવા મળી રહી છે, તે લોકોમાં અછતની આશંકાએ પેદા થયેલી અફરાતફરીનું
પરિણામ હોવાનું પણ તેમણે કહ્યું હતું. રાહુલ ગાંધીએ ગેસ અને ઓઈલનો મુદ્દો ઉઠાવતાં કહ્યું
હતું કે, ઈરાન અને અમેરિકા, ઈઝરાયલનાં યુદ્ધનાં
કારણે ગંભીર પરિણામો સર્જાવાનાં છે. દુનિયાનો 20 ટકા ઓઈલ પુરવઠો જ્યાંથી પસાર
થાય છે, તે હોર્મુઝનો સાંકડો દરિયાઈ માર્ગ બંધ કરી નાખવામાં
આવ્યો છે. આ પીડા તો હજી શરૂ થઈ છે. રેસ્ટોરેન્ટ, હોટેલ બંધ થવા
લાગી છે. એલપીજી માટે પણ બહુ જ ચિંતા છે. આ તો માત્ર શરૂઆત છે, જેની સામે હરદીપ પુરીએ જવાબ આપતાં કહ્યું હતું કે, દેશમાં
પેનિકનાં કારણે માંગ વધી ગઈ છે. ઓઈલ અને ગેસની
દેશમાં કોઈ અછત નથી. ભારત લાંબા સમય માટે આવી સ્થિતિની પહોંચી વળવા માટે તૈયાર છે.
રાહુલ ગાંધીએ આગળ હરદીપ પુરી તરફ ઈશારો કરીને કહ્યું હતું કે, અમે કોયડો ઉકેલી લીધો છે અને કોયડો સમજૂતી વિશે છે. આપણે અહીં એક સજ્જન બેઠા
છે, જે પેટ્રોલિયમ મંત્રી છે. તેમણે પોતે જ કહ્યું હતું કે,
તેઓ એપસ્ટીનના મિત્ર હતા. રાહુલનાં આ વિધાન સાથે જ લોકસભામાં હોબાળો
મચી ગયો હતો. સ્પીકર ઓમ બિરલાએ રાહુલને ટોકતા કહ્યું હતું કે, જેની નોટિસ આપવામાં આવી છે, તેનાં વિશે જ બોલો તેનાં
સિવાય કંઈ બોલવાની મંજૂરી આપવામાં નહીં આવે. રાહુલે આગળ કહ્યું કે, ઊર્જા સુરક્ષા બધા દેશોનો પાયો છે. આપણે કોની પાસેથી ઓઈલ અને ગેસ ખરીદવા અને
કોની પાસેથી નહીં તે અમેરિકાને નક્કી કરવા દેવું કેટલું વાજબી છે? રાહુલના આરોપોનો જવાબ આપતા હરદીપ પુરીએ કહ્યું હતું કે, ભારતમાં ક્રૂડ ઓઈલના પુરવઠાની સ્થિતિ સલામત છે. હોર્મુઝમાંથી મેળવવામાં આવતાં
ઓઈલ કરતાં અન્યત્રથી વધુ ઓઈલ પ્રાપ્ત કરાયું છે. હોર્મુઝ સિવાયના માર્ગેથી ઓઈલની આયાત
70 ટકા વધી ગઈ છે. રિફાઈનરીઓ 100 ટકા ક્ષમતાએ કામ કરી રહી છે.
પેટ્રોલ, ડીઝલ, કેરોસિન કે એટીએફની
કોઈ જ તંગી નથી. આ દરમિયાન વિપક્ષે એપસ્ટીનની નારાબાજી સાથે હંગામો ચાલુ રાખ્યો હતો.