• શુક્રવાર, 13 માર્ચ, 2026

નખત્રાણા તાલુકામાં કેરીને ચરમરાનો ખતરો

વિથોણ (તા. નખત્રાણા), તા. 12 : પંથકમાં કેરીની ફસલ ઉપર ચરમરાનો ખતરો ઊભો થયો છે. મોસમ બદલાવા અને ઝાકળના અતિરેકથી મોર બળી ગયાનું બહાર આવ્યું છે. પાછલા ત્રણ વર્ષથી કેરીનો પાક આકાશી આફતનો ભોગ બની રહ્યો છે. બિપોરજોય વાવાઝોડા પછી કેરીના પાક ઉપર વરસાદ તોફાનને કારણે નુકસાન થતું આવ્યું છે. ઘણી વખત મોસમનો મિજાજ બગડવાથી કાચી કેરીઓનું બાળમરણ થયું હતું અને બીજી બાજુ પવનને કારણે કેરીઓ અકાળે ઝાડ ઉપરથી ખરી પડવાથી ખેડૂતોને મોટી ખોટ પડી હતી. આ વર્ષે આંબાના ઝાડ ઉપર પુષ્કળ પ્રમાણમાં મોર લાગ્યા હતા, પરંતુ  અચાનક લગાતાર ઝાકળ આવવાથી મોર કેરી લાગે તે પહેલાં કાળા પડીને કરમાઇ ગયા છે, જેને ખેડૂતો ચરમરો કહે છે. આવું બનતાં એવું લાગે છે કે, ખેતપેદાશો 100 ટકા કુદરત ભરોસે છે. ખેડૂતોનું ધાર્યું થતું જ નથી, તેવું ખેડૂતોએ જણાવ્યું છે. કેસર કરી, દાડમ, કમલમ અને બાગાયતી સકરટેટી કચ્છની વખણાય છે. પરંતુ જો મોસમ મહેરબાન બને તો જ ખેડૂતો પહેલવાન બની શકે તેમ છે. નખત્રાણા પંથકમાં અત્યારે ધાન્ય પેદાશોનું વાવેતર નહીંવત થાય છે. કપાસ, દિવેલા, રાયડો અને  પાછળથી વાલનું પદાર્પણ થયું છે. આ બધું જ સફળ ત્યારે જ બને જો પોષક ભાવ મળે તો. વાવેતર વખતે પેદાશોના ભાવ ઊંચા હોય છે અને લણણી ટાણે ગગડી જાય છે. કેસર કેરીનો ગઢ ગણાતા રોહા પંથકમાં કેસર કેરીને મોસમનો માર પડયો છે. ખીરસરાના ખેડૂત શાંતિભાઇ માવાણીના જણાવ્યા મુજબ ખેતીવાડીનું બીજું નામ સંઘર્ષ છે. ખેડૂતો સદેવ સંઘર્ષ કરતા આવ્યા છે. ફસલ સારી થાય તો  ભાવ નથી મળતા અને ભાવ ઊંચા હોય ત્યારે પેદાશો હાથતાળી આપી જાય છે. 

Panchang

dd