• શુક્રવાર, 13 માર્ચ, 2026

પાલારા જેલમાંથી ફરી બે મોબાઇલ મળ્યા

ભુજ, તા. 12 : જેલમાંથી અનેકવાર મોબાઇલ મળી ચૂક્યા છે, પરંતુ આ મોબાઇલ કોણ ઉપયોગ કરે છે અને અહીં સુધી કઇ રીતે પહોંચે છે તેનું પગેરું હજી સુધી મળ્યું નથી તે વચ્ચે ગઇકાલે પાલારા ખાસ જેલ ખાતે અમદાવાદથી આવેલી ઝડતી ટીમને બે મોબાઇલ મળી આવ્યા હતા. આ અંગે બી-ડિવિઝન પોલીસ મથકે અમદાવાદ ઝડતી સ્કવોડના જેલર દેવશી રમણલાલ કરંગિયાએ નોંધાવેલી ફરિયાદ મુજબ ગઇકાલે સાંજે પાલારા ખાસ જેલમાં ટીમ સાથે છાનબીન કરતાં જેલની અંદર આવેલા દવાખાના વિભાગમાં ઇ.સી.જી. રૂમની પાછળ બહારના ભાગે બારી નીચે ગટરની કુંડીની બાજુમાં જમીનમાં ખાડા કરી પ્લાસ્ટિકમાં વીંટીને છુપાવી રાખેલા બે મોબાઇલ, જેમાં એક જે મેક્સ કંપનીનો અને એક સેમસંગ કંપનીનો મળી આવ્યા હતા. ઝડતી દરમ્યાન બિનવારસુ હાલતમાં મળેલા આ બંને ફોનને એફએસએલના પૃથક્કરણ અર્થે મોકલી અપાયા છે. બિનવારસુ ઉપયોગકર્તા તથા તપાસમાં જે નીકળે તેની વિરુદ્ધ પ્રિઝન એક્ટ મુજબ ગુનો દાખલ કરાવાયો છે. અત્રે નોંધનીય છે કે, પાલારા ખાસ જેલમાંથી અગાઉ પણ અનેક વખત પ્રતિબંધિત એવા મોબાઇલ મળી ચૂક્યા છે, પરંતુ હજુ સુધી આ ફોન જેલમાં કઇ રીતે પહોંચે છે અને તેના ઉપયોગકર્તા કોણ છે તે અંગેની કોઇ કડી સામે આવી નથી. 

Panchang

dd