નવી દિલ્હી, તા.12 : અમેરિકા અને
ઈઝરાયલનાં આક્રમણને પગલે વીફરેલા ઈરાને હોર્મુઝનાં માર્ગેથી તમામ પ્રકારનું માલપરિવહન
અટકાવી નાખતાં ભારત સહિત દુનિયાનાં અનેક દેશોમાં ઓઈલ અને ગેસની ભારે તંગીનાં વાદળો
ઘેરાઈ ગયા છે. આ સંજોગોમાં આજે અહેવાલ આવ્યા હતાં કે, ઈરાને ભારતીય ધ્વજવાળા જહાજોને સ્ટ્રેટ હોર્મુઝમાંથી
સુરક્ષિત માર્ગ આપવાનો નિર્ણય કર્યો છે. જો કે આ વાત અફવા પુરવાર થઈ હતી અને ઈરાને
અધિકૃત રીતે આવી કોઈ પરવાનગી આપ્યાનું નકારી દીધું હતું. ઉલ્લેખનીય છે કે એક ભારતીય
જેના કેપ્ટન હતા એવું એક તેલનું જહાજ ડાર્ક મોડમાં સુરક્ષા ઘેરાને ખો આપીને મુંબઈ આવી
પહોંચ્યું હતું. ભારતીય જહાજોને ઈરાને હોર્મુઝમાંથી સલામત માર્ગ આપવાની જાહેરાત કર્યાની
ચર્ચાએ જોર પકડયા બાદ આજે વિદેશ મંત્રાલયનાં પ્રવક્તા રણધીર જયસ્વાલે સ્પષ્ટતા કરી
હતી કે, પશ્ચિમ એશિયામાં વધતા તનાવ અને સમુદ્રી સુરક્ષા મુદ્દે
ભારત અને ઈરાન વચ્ચે કૂટનીતિક વાટાઘાટ ચાલી રહી છે. વિદેશ મંત્રી એસ.જયશંકરે ઈરાનનાં
વિદેશ મંત્રી સાથે આ તનાવ વચ્ચે ત્રણ વખત વાત કરી છે. જેમાં ભારતીય જહાજોની સુરક્ષાનાં
મુદ્દાની ચર્ચા પણ થઈ હતી.