ગાંધીધામ, તા. 12 : મિડલ ઇસ્ટમાં ઇરાન અને અમેરિકા-ઇઝરાયલ
વચ્ચેનાં યુદ્ધને લઇ રાંધણગેસ ચિંતાનો વિષય
બન્યો છે, ત્યારે ગાંધીધામ ચાવલા ચોકથી રેલવે કોલોની બાજુ
જતા માર્ગ પર આવેલી એક દુકાનમાંથી રાંધણગેસના બાટલા રિફીલિંગનું કૌભાંડ પોલીસે ઝડપી
પાડયું હતું. ગેરકાયદેસર રીતે મોટા બાટલામાંથી નાના બાટલા ભરી ઊંચા ભાવે વેચતા શખ્સને
પકડી પાડી મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. શહેરના ચાવલા ચોક નજીક ડી.બી.ઝેડ. એન-36માં આવેલી નિર્મલ ક્રોકરી સેન્ટર નામની
દુકાનમાં પોલીસે ગઇકાલે રાત્રે પૂર્વ બાતમીના આધારે કાર્યવાહી કરી હતી. આ દુકાનમાંથી
સપનાનગરમાં રહેતા અને આ દુકાન ચલાવતા હરજીતસિંઘ નિર્મલસિંઘ ખાલસાને પકડી પાડવામાં આવ્યો
હતો. આ શખ્સ કોઇ પણ પરવાના કે મંજૂરી વગર કેરબા ઉપર મોટા બાટલા ઊંધા કરી નળીમાં નોઝલ
અને રેગ્યુલેટર લગાડી મોટી બોટલમાંથી નાની બોટલ ભરી બજારમાં વેચતો હતો. પોલીસે તપાસ
કરતાં બે કેરબા ઉપર મોટી બોટલ ઊંધી રાખી નોઝલ
સાથેની નળી તેમાં ફીટ કરી નીચે વજનકાંટા પર નાની બોટલ ભરાતી હતી. અહીંથી 19 કિલોની ક્ષમતાવાળી ઇન્ડેન કંપનીની
10 બોટલ, 14.2 કિલોની ક્ષમતાવાળી
10 બોટલ, જેમાં એચ.પી., ઇન્ડેન,
રિલાયન્સ કંપનીની બોટલ હતી તેમજ ગેસ રિફીલ કરેલી બોટલ, વી.આઇ.પી. કંપનીનો વજનકાંટો,
નળી, રેગ્યુલેટર, નોઝલ વગેરે
મળીને કુલ રૂા. 65,400નો મુદ્દામાલ
જપ્ત કરાયો હતો. કોઇ પણ સુરક્ષાનાં સાધનો રાખ્યા વગર બિનઅધિકૃત રીતે કૌભાંડ ચલાવતા
આ શખ્સને પોલીસે અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ખરેખર આ શખ્સ પાસે ભરેલી બોટલ
ક્યાંથી આવી હતી તે સહિતની તટસ્થ છાનબીન હાથ ધરી કૌભાંડ પછવાડેના તમામ લોકોને પકડી
પાડવાની માંગ લોકોમાં ઊઠી હતી.