બિદડા, તા. 12 : ગત જાન્યુઆરીના આરોગ્ય ક્ષેત્ર
માટે વિશ્વ પ્રસિદ્ધ બિદડા સર્વોદય હોસ્પિટલના કેમ્પમાં જે વિચારના બીજ રોપાયા હતા
એ માંડવી તાલુકાના આ ગામને આરોગ્ય સેવાની જેમ એક સર્વાંગી વિકાસનું `વેલનેસ વિલેજ' તરીકે વિશ્વભરમાં પ્રસિદ્ધ થાય તેવી અત્યાધુનિક
સુવિધાઓ સાથે શારીરિક, માનસિક, આધ્યાત્મિક
સુખાકારી અને સાથેસાથે આર્થિક ઉપાર્જનનું કેન્દ્ર નિર્મિત થાય એવા સંકલ્પમાં પ્રાથમિક
પણ મહત્ત્વનું ડગલું ભરતાં ગામના શ્રેષ્ઠીઓ,
આગેવાનો અને ગ્રામજનો સાથે આગામી પગલાંઓ માટે મનોમંથન યોજાયું હતું.
આ સાથે પ્રથમ ચરણ રૂપે ગામને પ્લાસ્ટિકમુક્ત કરવા નિર્ધાર કરાયો હતો અને આ માટે ઉપસ્થિત
મહાનુભાવો દ્વારા 4,500 નંગ કપડાંની
થેલીઓનું વિતરણ કરવા આર્થિક સહયોગની જાહેરાત થઈ હતી. આ સાથે ગ્રામ પંચાયત તરફથી કચરાના
ડમ્પિંગ કરવા માટેની જગ્યા ટૂંકમાં જ નક્કી કરી દેવા જાહેરાત કરાઈ હતી. - આર્થિક પ્રવાસનને પ્રોત્સાહન
: બિદડા સર્વોદય ટ્રસ્ટ સંકુલ સ્થિત બચુભાઈ
મેમોરિયલના હોલમાં કચ્છમિત્ર અને બિદડા સર્વોદય ટ્રસ્ટના સહકારથી આયોજિત આ મિલનમાં
બિદડાનું વેલનેસ વિલેજ તરીકે કેમ નિર્માણ કરી શકાય તેનું સૌરાષ્ટ્ર ટ્રસ્ટના મેનેજિંગ
ટ્રસ્ટી હાર્દિકભાઈ મામણિયાએ પીપીટી પ્રેઝન્ટેશન આપી ટેકનિકલ, આર્થિક પાસાંઓ, પ્રવાસનને
પ્રોત્સાહન, સ્થાનિક રહેવાસીઓને ફાયદો, પર્યાવરણ જતન સાથેસાથે શારીરિક, માનસિક સ્વાસ્થ્યના લાભોને
એકબીજા સાથે કેવી રીતે સાંકળીને આ પ્રોજેક્ટને વાસ્તવિકતામાં નિરૂપણ કરી શકાય તેની
સમજ આપી હતી તથા ઉપસ્થિતોના પ્રશ્નોના પ્રતિભાવ આપ્યા હતા અને સ્પષ્ટ કર્યું કે,
આ કોઇ એક સંસ્થા કે કંપનીનો નહીં, ગામલોકોનો સહિયારો
પ્રોજેક્ટ હશે. આ પ્રાથમિક બેઠક છે અને આપણે પ્રથમ પગથિયું ચડવાનું છે, જેના પડઘામાં ગામમાં સ્વચ્છતા સહિત ચાર સંકલ્પ લેવાયા હતા અને દાતાઓએ પ્લાસ્ટિક
થેલી મુક્તિ માટે કપડાંની થેલીઓ વિતરણ માટે યોગદાનની જાહેરાત કરી હતી. - છે તેનાથી વધુ સુંદર બનાવીએ
: આ પહેલાં, બિદડા સર્વોદય ટ્રસ્ટના ચેરમેન વિજયભાઇ છેડાએ
સ્વાગત કરતાં જણાવ્યું કે, આ ગામ પાસે સારી શાળા, કોલેજ, શ્રેષ્ઠ હોસ્પિટલ, મંદિરો,
પાંજરાપોળ સહિત ઘણું છે, જે વધુ સુંદર બનાવીને
વિશ્વસ્તરે કેમ લઇ જવાય તેનું મનોમંથન થયું અને આ બેઠકમાં તેનું પ્રેઝન્ટેશન કરાઇ રહ્યું
છે કે, સરકાર, સમાજ, દાતાઓ અને ગામલોકો સૌ સાથે મળી કેમ આગળ વધી શકે છે. - કચ્છની વેલનેસ રાજધાની બનવાની
સંભાવના : બિદડાના કેમ્પમાં વેલનેસ વિલેજનો વિચાર
મૂક્યા બાદ મુંબઇમાં બિદડા સર્વોદય ટ્રસ્ટના ટ્રસ્ટી શરદભાઇ રાંભિયા અને અન્ય શ્રેષ્ઠીઓ
સાથે યોજાયેલી બેઠક અને એ પછી નિષ્ણાતો પાસેથી સંશોધન અને અંદાજિત 100 એકર વિસ્તારમાં નિર્માણ થાય
એવા આ પ્રોજેક્ટનું પ્રારૂપ કરાયું એ ઘટનાક્રમોનો ઉલ્લેખ કરીને હાર્દિકભાઇ મામણિયાએ તબક્કાવાર સ્લાઇડ દર્શાવી `વેલનેસ'
ગામનું કલ્પનાચિત્ર રજૂ કરતાં જણાવ્યું કે, બિદડામાં
કચ્છની વેલનેસ રાજધાની બનવાની સંભાવનાઓ છે. હાલનાં જીવનમાં વેલનેસ ટૂરિઝમની માંગ વધે
છે. આવા વિકાસ સાથે રસ્તા, પાણી જેવી માળખાંકીય સુવિધાઓ વધશે
અને આવું પ્રવાસન 12 મહિના જારી રહે છે. રોજગારી અને ગામલોકોનું આર્થિક સ્તર
વધારે છે. વર્તમાનની શિક્ષણ, રમત-ગમત,
આરોગ્ય, યોગ, કૃષિ,
ગૌસેવા જેવી સુવિધાઓમાં જોડાઈને આર્થિક ઉપાર્જન કરી શકે. બિદડા એવું
બની શકે જ્યાં સારવાર અને આપણા વારસાનું સંયોજન થાય, જેમાં નાની-નાની
શરૂઆત કરીને પણ ઊંચાં લક્ષ્ય સાથે આગળ વધવાનું છે, જેમાં સમગ્ર
ગામનો સહયોગ અને ઈચ્છાશક્તિ મહત્ત્વની છે. - અનેકવિધ હકારાત્મક સૂચનો થયાં : આ પછી યોજાયેલી પ્રશ્નોત્તરીમાં આ નિર્માણ
કયા સ્થાને અને કોના સંચાલન પરના સવાલ પર સ્પષ્ટ કરાયું કે, આ એકનો નહીં, તમામનો સહિયારો
પ્રોજેક્ટ છે, જેમાં નાનાથી મોટું રોકાણ કરી શકાય છે. આ ઉપરાંત
ગામમાં સ્વચ્છતા, પ્લાસ્ટિકમુક્તિ, ગટર
વ્યવસ્થા સુદૃઢ કરવા પર ભાર મુકાયો હતો. આ સિવાય સૂચનોમાં અહીંની શાળાઓનાં બાળકોને
સ્વચ્છતા માટે જાગૃતિ કાર્યક્રમો યોજવા, માતા-પિતા દ્વારા પણ
પડીકાઓ ખાવાની ટેવને બદલે ઘરેથી જ નાસ્તો આપવા, પ્લાસ્ટિકનો કચરો
કરે તેને દંડકીય કાર્યવાહી કરવા, ગામમાં વધુ ને વધુ ડસ્ટબીન ગોઠવવા,
કચરો ઘરોઘરથી મેળવતી ગાડી નિયમિત દોડાવવા અને જરૂર પડયે ખાસ પગારદારની
નિમણૂક કરી આવી વ્યવસ્થા ગોઠવવા, લગ્ન કે અન્ય સામાજિક પ્રસંગોએ
સ્વચ્છતાનો સંદેશ મૂકવા, ગામમાં રખડતા ઢોરનો પ્રશ્ન ઉકેલવા નંદીશાળા
નિર્માણ જેવાં સૂચનો કરાયાં હતાં. બિદડા સરપંચ જયાબેન પટેલે ટૂંક સમયમાં ગામમાં ડમ્પિંગ
સાઈટ ફાળવી આપવા જાહેરાત સાથે ગામમાં સ્વચ્છતા અને વિકાસકામોમાં સક્રિય સહયોગની ખાતરી
આપી હતી. આ પ્રસંગે સૌરાષ્ટ્ર ટ્રસ્ટના ટ્રસ્ટી સંજયભાઈ એન્કરવાલા, કચ્છમિત્રના તંત્રી દીપકભાઈ માંકડ, મેનેજર મુકેશભાઈ ધોળકિયા,
અગ્રણીઓ સુરેશભાઈ સંઘાર, ભવાનજીભાઈ રામાણી,
હીરાલાલ સાવલા, ડો. હેમા વીરા, કેશવજીભાઈ મારૂ, વાઘજીભાઈ સંઘાર, સામજીભાઈ છાભૈયા, નારાણ ગઢવી, ભરતભાઈ
સંઘાર, ભાવેશભાઈ સંઘાર, જયંતીભાઈ સંઘાર,
મંગલભાઈ સંઘાર, ગૌરવભાઈ, કનૈયાલાલ મારવાડા, ધનજી વિંઝોડા, શાંતિભાઈ દેઢિયા, રોહિત સોની, મનોજ
મકદાની, હિમાંશુ રાંભિયા, નીલેશ સંઘાર,
નીલેશ મહેતા, ખુશાલ વીરા, કિરીટસિંહ જાડેજા, જગદીશ મહેશ્વરી, અમીરથસિંહ જાડેજા વિ.એ સૂચનો સાથે બિદડાના આ વિકાસમાં સહયોગની ખાતરી આપી હતી. - સ્વચ્છતા
જાગૃતિ માટે 12000 ટીશર્ટ અને કપડાંની થેલીઓ માટે શ્રેષ્ઠીઓનું યોગદાન : બિદડા,
તા. 12 : માંડવી તાલુકાના
આ ગામને `વેલનેસ વિલેજ'નું રૂપ આપવાના વિવિધ રાજકીય, સામાજિક આગેવાનોના મંથન સત્રના અંતે સાચા અર્થમાં શ્રીગણેશ કરતાં પ્રથમ સ્વચ્છતા
અને પ્લાસ્ટિક મુક્તિ માટે સંકલ્પબદ્ધતા વ્યક્ત કરાઈ અને સાથે જ શ્રેષ્ઠીઓએ પોતાના
તરફથી ગામમાં કપડાંની થેલીઓના વિતરણ માટે સંખ્યાની જાહેરાત કરી દીધી હતી. અને જોતજોતામાં
4500 થેલીઓ થઈ હતી. ઉપરાંત ઉપસ્થિત
બિદડા સર્વોદય ટ્રસ્ટના ટ્રસ્ટી શરદભાઈ રાંભિયા દ્વારા જાગૃતિની નવી પહેલ કરતાં, સ્વચ્છતાના સૂત્રો સાથેના 12000 ટીશર્ટનું વિતરણ કરવાની જાહેરાત
કરાઈ હતી. કચ્છમિત્રની સંચાલક સંસ્થા સૌરાષ્ટ્ર ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી હાર્દિકભાઈ
મામણિયાએ 1000 થેલી, સૌરાષ્ટ્ર ટ્રસ્ટના ટ્રસ્ટી સંજયભાઈ દામજીભાઈ
એન્કરવાલાએ 1000 થેલી, બિદડા સર્વોદય ટ્રસ્ટના ચેરમેન વિજયભાઈ છેડા
દ્વારા 1000 થેલી, રોહિતભાઈ સોની દ્વારા 500 થેલી, અગાઉ પણ બિદડામાં પ્લાસ્ટિક મુક્તિની ઝુંબેશ
ચલાવી ચુકેલા જૈનસ સમાજ આગેવાન કેશવજીભાઈ મારૂ દ્વારા 500 થેલી, મંગલભાઈ સંઘાર દ્વારા 500 થેલીની જાહેરાત કરાઈ હતી. - પ્લાસ્ટિક
થેલીનો ઉપયોગ નહીં ; અને જાગૃતિ
કાર્યક્રમો : ચાર સંકલ્પ : બિદડા,
તા. 12 : બિદડાને વિશ્વસ્તરીય
`વેલનેસ વિલેજ' તરીકે સાકાર કરવાના ગામલોકો સાથેના મંથન બાદ
પ્રથમ ચરણની ફળશ્રુતિ રૂપે ચાર મુદાઓ પર કટિબદ્ધતા વ્યક્ત થઈ હતી. સ્વચ્છતા માટે પ્રથમ
ચોક્કસ ડમ્પિંગ સાઈટ હોવી જોઈએ, તેવા પ્રશ્ન બાદ સરપંચ જયાબેન
પટેલે ખાતરી આપી હતી કે, ટૂંકા ગાળામાં જ ચોક્કસ જગ્યા નિર્ધારિત
કરાશે. બીજું ઉપસ્થિતોએ સંકલ્પ કર્યો કે હવેથી પ્લાસ્ટિક થેલીનો ઉપયોગ નહીં કરાય અને
કોઈ અન્ય ઉપયોગ કરતા હશે તો એમ નહીં કરવા સમજ આપીશું, અને જરૂર
પડયે કપડાંની થેલી વેપારી પાસેથી ખરીદીને ઉપયોગ કરશું. આ સાથે ગામની સરકારી,
ખાનગી સહિત તમામ શાળાઓમાં પ્લાસ્ટિકની થેલીનો ઉપયોગ નહીં કરવા છાત્રોમાં
જાગૃતતા લાવશું, તેમજ દરેક ફળિયામાં ડસ્ટબીન ગોઠવવામાં આવશે,
તેમાં જ કચરો ઠાલવવામાં આવશે. - કમિટીની થઈ રચના : આ સંકલ્પોના અમલ માટે તુરંત સ્થાનિક સમિતિ
પણ બનાવી લેવાઈ હતી. જેમાં ઠાકરશીભાઈ ધોરિયા, મંગલ સંઘાર, ભાવેશ સંઘાર, રોહિત
સોની, નારાણ ગઢવી વિ. જોડાયા હતા.