• શુક્રવાર, 13 માર્ચ, 2026

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં અબડાસા કોંગ્રેસના ગઢમાં ગાબડું

ભુજ, તા. 12 : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ સંભળાઈ રહ્યા છે, ત્યારે કચ્છ કોંગ્રેસમાં એક સાંધે ત્યાં તેર તૂટે એવી સ્થિતિનું નિર્માણ પામવા જઈ રહ્યું છે, ગુરુવારે અબડાસા તાલુકા પંચાયતના વર્તમાન સદસ્યો સહિતના કોંગ્રેસી આગેવાનો કોંગ્રેસને કાયમી ધોરણે અલવિદા કહીને ભાજપમાં જોડાયા હતા.  કોઠારા તાલુકા પંચાયતના કોંગ્રેસના સદસ્ય એવા મોકાજી હમીરજી સોઢા, સુથરી તાલુકા પંચાયતના કોંગ્રેસી સભ્ય રહીમાબાઈ આમદ સંઘાર વતી તેમના પતિ આમદ હુશેન સંઘાર તેમજ સ્થાનિક કોંગ્રેસી અગ્રણી અને કોઠારા ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ હેમભા સુમરાજી જાડેજા તેમના કાર્યકરો સાથે જિલ્લા ભાજપ મંત્રી પરેશભાઈ ભાનુશાલી, અબડાસા તાલુકા ભાજપ પ્રમુખ જયદીપસિંહ જાડેજા તેમજ અબડાસા તાલુકા પંચાયત પ્રમુખ મહાવીરસિંહ જાડેજા સહિતના અગ્રણીઓને સાથે રાખીને કચ્છ જિલ્લા ભાજપ મધ્યસ્થ કાર્યાલય કચ્છ કમલમ ખાતે આવ્યા હતા, જ્યાં જિલ્લા ભાજપ મહામંત્રીઓ હિતેશભાઈ ખંડોર અને ભીમજીભાઈ જોધાણીની ઉપસ્થિતિમાં જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદના હસ્તે ખેસ ધારણ કરી વિધિવત રીતે ભાજપમાં જોડાયા હતા.  આ પ્રસંગે શ્રી વરચંદે જણાવ્યું હતું કે, સમગ્ર કોંગ્રેસ દિશાથી વિમુખ જઈને સઢ વગરનાં વહાણની માફક આમતેમ ભટકી રહી છે. સેવા, વિકાસ અને રાષ્ટ્રવાદના સથવારે ખુદની લીટી લાંબી કરવાના બદલે યેનકેન પ્રકારે ભારતીય જનતા પાર્ટીની લીટી ભૂંસવા મથી રહેલી કોંગ્રેસ એની મૂઢતાની પરાકાષ્ઠાનું વરવું પ્રદર્શન કરીને રામ મંદિરનો વિરોધ, એઆઈ સમિટમાં વિદેશી અતિથિઓ સામે દેશની અસ્મિતાના ધજાગરા, સર્જિકલ સ્ટ્રાઈકના પુરાવાઓ માગીને તદ્દન નિમ્ન કક્ષાએ જઈને બેઠી છે અને એના ખુદના પાયાના કાર્યકરોને સાચવવામાં પણ સરેઆમ નિષ્ફળ રહી છે. આ પ્રસંગે ભાજપમાં જોડાયેલા મોકાજી સોઢાએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનાં માર્ગદર્શન અને નેતૃત્વ હેઠળ ભારત આજે ગૌરવભેર સર્વાંગી વિકાસ સાધી રહ્યું છે, ત્યારે કોંગ્રેસ માત્ર એક જ પરિવારને પોષવા માટે વલખાં મારી રહી છે જે અત્યંત શરમજનક બાબત છે. આ પ્રસંગે જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ પ્રફુલ્લસિંહ જાડેજા, આશિકાબેન ભટ્ટ, અબડાસા તાલુકા ભાજપ મહામંત્રી ગોપાલભાઈ ગઢવી, વિનયભાઈ રાવલ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હોવાનું કચ્છ જિલ્લા ભાજપ મીડિયા ઇન્ચાર્જ સાત્ત્વિકદાન ગઢવીની યાદીમાં જણાવાયું હતું. 

Panchang

dd