નવી દિલ્હી, તા. 12 : દેશની સર્વોચ્ય અદાલતે ગુરુવારે એક મહત્ત્વનો ફેંસલો આપ્યો હતો. અન્ય પછાત વર્ગ (ઓબીસી) અનામત માટે મોટા ચુકાદામાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, કોઈ ઉમેદવાર `ક્રીમિલેયર' (સંપન્ન વર્ગ)માં આવે છે કે નહીં, તેનો નિર્ણય માત્ર તેની પારિવારિક આવકના આધારે ન થઈ શકે. ન્યાયમૂર્તિ પી.એસ. નરસિમ્હા અને આર. મહાદેવનની ખંડપીઠે પોતાના ફેંસલામાં સરકારની અપીલને ફગાવી દેતાં જણાવ્યું હતું કે, ક્રીમિલેયરનો દરજ્જો નક્કી કરતી વખતે માતા-પિતા કે વાલીના પદો અને સ્થિતિને પણ ધ્યાનમાં રાખવા જોઈએ. સુપ્રીમની ખંડપીઠે હાઈકોર્ટના ફેંસલાના વિરોધમાં સરકારની અપીલને ફગાવી દીધી હતી. આ ચુકાદા સાથે અદાલતે સનદી પરીક્ષામાં સફળ થવા છતાં નોકરીથી વંચિત યુપીએસસી ઉમેદવારોને રાહત આપી હતી. સરકારે કેટલાક ઉમેદવારોના માતા-પિતાના પગાર, આવકને આધાર માનીને તેમને ખોટી રીતે અનામતથી બહાર કરવાનો ખોટો માપદંડ અપનાવ્યો હતો. જસ્ટિસ મહાદેવને ફેંસલામાં લખ્યું હતું કે, કોઈ ઉમેદવાર ક્રીમિલેયર (સંપન્ન વર્ગ)માં આવે છે કે નહીં, તેનો ફેંસલો માત્ર આવકના આધાર પર કરી ન શકાય. આ આખો વિવાદ એ ઉમેદવારો સાથે જોડાયેલો હતો, જેમનાં માતા-પિતા જાહેર સાહસો, બેન્કો અને અન્ય તેવા જ પ્રકારની સંસ્થાઓમાં કામ કરતા હતા. સરકારે 2004ના એક સ્પષ્ટતાપત્રનો આધાર લઈને તેમના પગારને આવકમાં જોડી દીધો હતો, જેના કારણે એ ઉમેદવારો અનામતથી વંચિત થઈ ગયા હતા. સુપ્રીમ કોર્ટે 1993ના સરકારી આદેશનો સંદર્ભ આપ્યો હતો, જેમાં સ્પષ્ટ કહેવાયું છે કે, ક્રીમિલેયર નક્કી કરવા માટે માતા-પિતાના પદ મુખ્ય આધાર છે. આ નિયમ હેઠળ પગાર અને ખેતીમાંથી થનારી આવકને આવક કે સંપત્તિ તરીકે સ્થાન આપી શકાય નહીં.