• રવિવાર, 16 જૂન, 2024

પત્રી હત્યા કેસમાં રિમાન્ડની રિવિઝન અરજી નામંજૂર : મોટા કરોડિયાના જમીન વિવાદમાં અપીલ ફગાવાઈ

ભુજ, તા. 6 : ગેરકાયદે ખનિજ ખનનની અદાવતમાં મુંદરા તાલુકાના પત્રી ગામના ક્ષત્રિય યુવાનની હત્યાના ચકચારી બનેલા પ્રકરણમાં આરોપીઓ પૂર્વ સરપંચ અને તેમના પરિવારજનોના ફર્ધર રિમાન્ડ મેળવવા માટે મુકાયેલી રિવિઝન અરજી ભુજની સેશન્સ અદાલતે નામંજૂર કરી હતી. પત્રીના ક્ષત્રિય યુવાન પૃથ્વીરાજસિંહે પૂર્વ સરપંચ વિરુદ્ધ ખાણ-ખનિજ ખાતા સહિતના તંત્રોને લીઝ રદ કરવા અરજી કરી હતી. તેનું મનદુ:ખ રાખી તેમની હત્યા કરાઈ હતી. આ કેસમાં આરોપીઓના રિમાન્ડ પૂર્ણ થયા બાદ વધુ રિમાન્ડ માટે મુંદરા કોર્ટમાં અરજી કરાઈ હતી, જે અદાલતે નામંજૂર કરી હતી. બાદમાં ઉપલી કોર્ટમાં રિવિઝન અરજી કરાઈ હતી. કોર્ટે બંને પક્ષની દલીલ સાંભળી નીચલી અદાલતનો હુકમ કાયમ રાખ્યો હતો. આરોપીઓ તરફે ધારાશાત્રી માવજી ડી. છાંગા (આહીર) અને એસ. જે. વાલાણી હાજર રહ્યા હતા.

જમીનના કેસમાં અપીલ રદ

અબડાસા તાલુકાના મોટા કરોડિયા ગામના જમીન વિવાદ મામલે કરસન ગોપાલ ગઢવીએ ગોવિંદ નાગશી મહેશ્વરી વિરુદ્ધ હુકમ નામંજૂર કરવા નલિયાની સિવિલ કોર્ટમાં અપીલ દાખલ કરી હતી, જે નામંજૂર કરાઈ હતી. બાદમાં ભુજની ડિસ્ટ્રીક્ટ કોર્ટમાં ધા નખાતાં અદાલતે નીચલી કોર્ટનો આદેશ કાયમ રાખ્યો હતો. આ કેસમાં ગોવિંદ નાગશી મહેશ્વરીના વકીલ તરીકે ગોપાલ કે. ગઢવી હાજર રહ્યા હતા.

ફોરમનો ગ્રાહક તરફે ચુકાદો

ભુજ તાલુકાના મેઘપરના રહેવાસી રતનબેન પટેલે તેમના પતિની કારનો અકસ્માત થયા બાદ નુકસાનનું વળતર મેળવવા વીમા કંપનીમાં અરજી કરી હતી, જે કંપનીએ બરોડા ગુજરાત ગ્રામીણ બેંકમાં જમા કરાવી હતી. બેંક દ્વારા ભૂલથી તે રકમ અન્યના ખાતામાં જમા થતાં નાણાં પરત અપાયા નહોતાં. બાદમાં જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશન સમક્ષ ફરિયાદ કરાઈ હતી. ફોરમે  તે મંજૂર કરી બેંકને રૂા. 5,50,750 ફરિયાદની તારીખથી નવ ટકા વ્યાજ સહિત ચૂકવવા તથા માનસિક ત્રાસ અને અરજી ખર્ચના અનુક્રમે 20-20 હજાર અલગથી ચૂકવવા આદેશ કર્યો હતો. આ કેસમાં અરજદારના વકીલ તરીકે વિશાલ બી. મકવાણા, રૂષિ જે. ઉપાધ્યાય, સાજિદ આઈ. તુરિયા, ચૂનીલાલ એલ. લોંચા, પ્રિયા એ. પરમાર, સાહીન આર. ચાકી, ભાગ્યશ્રી પી. શિયાણી અને શિવાની એ. સોની હાજર રહ્યા હતા.

છેતરપીંડીના કેસમાં જામીન મંજૂર

અંજારના માય જીયો સ્ટોરના મેનેજર જિગર શંકરભાઈ ચૌહાણે અન્ય આરોપીઓ સાથે મળીને ફરિયાદીના 15 આઈફોન કિં. રૂા. 11,98,500 લઈ જઈ છેતરપીંડી કરી હતી. આ કેસમાં આરોપીએ અંજારની કોર્ટમાં જામીન અરજી કરી હતી. અદાલતે બંને પક્ષની દલીલના આધારે શરતોને આધીન અરજી મંજૂર કરી હતી. આરોપી તરફે ભુજના ધારાશાત્રી કુલદીપ જે. મહેતા તથા કમલેશ કે. માતંગે હાજર રહી દલીલ કરી હતી.

જમીન કેસમાં મનાઈ હુકમ

ભચાઉ તાલુકાના શિકારપુરની સીમમાં આવેલી જમીન અંગે વાંધા તકરાર ઊભા કરવાના મામલે જમીનમાં કોઈ ફેરફાર કે તબદીલી ન થવા સંદર્ભે મનાઈ હુકમ મેળવવા કલેક્ટર સમક્ષ અપીલ કરાઈ હતી. આ મામલે યથાવત પરિસ્થિતિ જાળવી રાખવાનો હુકમ કરાયો હતો. આ કેસમાં અરજદાર હિતેશ લક્ષ્મણભાઈ રાઠોડ તરફે વકીલ પી.આર. પ્રજાપતિ હાજર રહ્યા હતા.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang