ભુજ, તા. 26 : ખાવડા પાસેના આર.ઈ. પાર્કમાં
એક કંપનીના સાઈટ એન્જિનીયરે તેના મિત્રો સાથે મળી રૂા. 24.70 લાખની 200 પ્લેટની ચોરી કર્યાનું સામે
આવ્યું છે. બીજી તરફ અન્ય કંપનીમાંથી પણ રૂા. આઠ લાખના બસબાર, વાયર સહિતના સામાનની ઉઠાંતરી થયાની પણ ફરિયાદ
નોંધાઈ છે. આર.ઈ.પાર્ક સ્થિત અક્ષર ઈલેકઈન્ફ્રા પ્રા.લિ. કંપનીના સેફટી મેનેજર ઈન્દ્રજિત
રામદેવ યાદવે આજે ખાવડા પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદ મુજબ ગત તા. 28/9થી 3/10 સુધી સાઈટ નં. 9માં 200 બસબાર કોપરની પ્લેટો ચોરાઈ હતી. આ ચોરી અંગે સિક્યુરિટીની પૂછતાછમાં
કોઈ સઘડ મળ્યા ન હતા. આ બાદ કંપનીમં નોકરી કરતા માણસો ઉપર શક-વહેમ જતાં પૂછપરછ કરાઈ
હતી. મજૂરોને પ્લેટોની જરૂર હોય તો સાઈટ એન્જિનીયર દ્વારા અપાતી હોય છે. આથી સાઈટ એન્જિનીયર
રોહિત ક્રિષ્ણકાંત ત્યાગી (રહે. આગ્રા બાજુ) પૂછપરછ કરતાં પ્રથમ પ્લેટો વપરાઈ ગયાનું
જણાવ્યું હતું. પરંતુ બાદમાં કડકાઈથી પૂછતાં તેણે તેના મિત્રો રવિન્દ્રકુમાર મહાવીર, પવનકુમાર નેમારમ મુંડ, રાહુલ મુકેશ કુમાર (રહે. તમામ રાજસ્થાન) સાથે મળીને કરી છે. પ્લેટો મિત્રો
લઈ ગયા છે અને તેઓના મોબાઈલ ફોન બંધ આવે છે. આમ તમામ આરોપી વિરુદ્ધ પોલીસે ચોરીનો ગુનો
દાખલ કરી તજવીજ આદરી છે. આ ઉપરાંત ખાનગી સિક્યુરિટીના જનરલ મેનેજરે આજે ખાવડા પોલીસ
મથકે નોંધાવેલી ફરિયાદ મુજબ આર.ઈ. પાર્કમાં આવેલી સ્ટર્લિંગ વિલ્સન કંપનીના કે-1 કંપનીના ગોદામના લોખંડના પતરાં તોડી તેમાના
કન્ટેનરનું તાળું તોડી તેમાંથી બસબાર, અર્થિંગ પટ્ટીઓ, વાયર વિગેરે એમ કુલ્લે રૂા. આઠ લાખના
મુદ્દામાલની ગત તા. 25/10ના રાતથી
બીજા દિવસની સવાર સુધી કોઈ અજાણ્યા ચોર ઈસમ ચોરી કરી લઈ ગયા છે. પોલીસે ચોરીની ફરિયાદ
દાખલ કરી તપાસ હાથ ધરી છે.