• બુધવાર, 26 ઑગસ્ટ, 2026

વાહન ચોરીના કેસમાં વીમા કંપનીની અપીલ રદ

ભુજ, તા. 25 : ભુજમાં વાહનચોરીના કેસમાં રાજ્ય ગ્રાહક તકરાર નિવારણ કમિશને વીમા કંપનીની અપીલ રદ કરી જિલ્લા ગ્રાહક કમિશનનો ચુકાદો યથાવત્ રાખ્યો છે. આ કેસની ટૂંક વિગતો મુજબ, ભુજના અમીર એમ. ઉમર સમાની માલિકીની ટોયોટા ઈનોવા 2014માં રાજમહેલ હોટેલ પાસેથી પસાર થઈ રહી હતી, ત્યારે ચંદન ચેટરજી નામની વ્યક્તિએ પોતાના ભાઈનો અકસ્માત થયો હોવાનું જણાવી રાજકોટ લઈ જવાનું કહેતાં ડ્રાઈવરે બાદમાં તેને પોરબંદર ખાતે ઉતારતી વખતે ઠંડુ પીણું પીવડાવ્યું હતું, જેથી ડ્રાઈવર બેહોશ થઈ ગયો હતો. ભાનમાં આવ્યા બાદ ઈનોવા ચોરી થઈ ગયાની જાણ થઈ હતી. બાદ વાહન માલિકે પોલીસમાં ફરિયાદ નોંધાવી તેમજ વીમા કંપની ધી ન્યૂ ઈન્ડિયા ઈશ્યોરન્સ કંપની લિમિટેડને જાણ કરી ક્લેઈમ રજૂ કર્યો હતો. જો કે, વાહનનો ઉપયોગ હાયર એન્ડ રિવોર્ડ તરીકે થતો હોવાના, સહિતના કારણો દર્શાવી કંપનીએ ક્લેઈમ નામંજૂર કર્યો હતો. અમીરભાઈએ જિલ્લા કમિશન સમક્ષ ફરિયાદ દાખલ કરી હતી. કમિશને વીમા કંપનીના પગલાંને સેવામાં ખામી ગણાવી રૂા. 6.60 લાખ સાથે 15 જુલાઈ, 2016થી નવ ટકા વ્યાજ, માનસિક ત્રાસના વળતર તથા ખર્ચ ચૂકવવાનો હુકમ કર્યો હતો. હુકમ સામે રાજ્ય કમિશનમાં કરાયેલી અપીલ પણ એડમિશન સ્ટેજે જ રદ કરવામાં આવી હતી. ફરિયાદી પક્ષે એડવોકેટ રાજેશ પ્રેમજીભાઈ ઠક્કર, વિક્રમકુમાર વાલજીભાઈ ઠક્કર, હાર્દિક નીતિનભાઈ જોબનપુત્રા હાજર રહ્યા હતા.

34 વર્ષ જૂની નોંધ રદ કરવાની અપીલ નામંજૂર

ભુજ કુકમા સીમના રે.સ.નં. 115/2, 166 તથા 176/1વાળી ખેતીની જમીનો રેવન્યૂ રેકર્ડમાં અમૃતબેન પ્રેમજીનાં નામે માલિકી કબજાની નોંધાયેલી હતી. તેઓએ તેમની હયાતીમાં તા. 11/8/ 1983વાળું વિલ કરી તે જમીનોના પોતાના હક્ક ઘનશ્યામ કરમશી ચૌહાણ (રહે. કુકમા)ને લખી આપ્યા હતા. અમૃતબેનનું અવસાન થતાં, ઘનશ્યામભાઈ તે વિલની રૂએ તા. 28/9/1990ના નોંધને પ્યારેલાલ લીલાધર ચૌહાણે સ્વ. લીલાધરના વારસ તરીકે નાયબ કલેક્ટર ભુજ સમક્ષ મહેસૂલ કાયદા તળે અપીલ રજૂ કરી અને તે નોંધ રદ કરવા માગણી કરી હતી. વિલ સાચું છે કે ખોટું છે તે નક્કી માત્ર દીવાની કોર્ટ કરી શકે તેવું તારણ કરી પ્યારેલાલની અપીલ રદ કરતો હુકમ ફરમાવ્યો છે. સામાવાળાના એડવોકેટ તરફે મહેન્દ્ર દયારામ ઠક્કર, ચિંતલ મહેન્દ્રભાઈ ઠક્કર, કોમલ ચંદ્રેશભાઈ ઠક્કર હાજર રહ્યા હતા.

Panchang

dd