ગાંધીધામ, તા. 9 : અંજારના ચાંદ્રાણીમાં તલાવડીમાં
ટ્રેક્ટર ઊંધું પડતાં તેના ચાલક ડાયા ઉર્ફે પાલો સવા મકવાણાનું મોત થયું હતું તેમજ
રાપરના ખાનપર ટીંબા સીમ વિસ્તારમાં ભરત હોથી કોળી (ઉ.વ. 23)ની લાશ મળી આવી હતી. મુંદરાના
લુણીમાં પરપ્રાંતીય શ્રમિકની 16 વર્ષીય સગીરા
સુમિત્રા વસુ બાબુ ગણાત્રાએ અને માંડવીના નાની ઉનડોઠમાં 23 વર્ષીય યુવાન પંકજ તેજશી મહેશ્વરીએ
ગળેફાંસો ખાઇ પોતાના જીવ દીધા હતા. ચાંદ્રાણીમાં રહેતા ફરિયાદી અરજણ રામજી રાઠોડ પાસે
ટ્રેક્ટરમાં ડ્રાઇવિંગ કરનાર ડાયા ઉર્ફે પાલા નામના યુવાનનું મોત થયું હતું. આ યુવાન
ગઇકાલે ટ્રેક્ટર નંબર જી.જે. 12-એ.ડી. 119 લઇને જઇ રહ્યો હતો. દરમ્યાન
ગામની મુસાશ્રી તલાવડીમાં આ વાહન સાથે ચાલક ઊંધો પડતાં તેને ગંભીર ઇજાઓ પહોંચ હતી.
તેને સારવાર અર્થે લઇ જવાતાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. બીજીબાજુ ખાનપર
ટીંબાની સીમમાંથી રામદેવપીર વાંઢના ભરત કોળીની લાશ મળી આવી હતી. આ યુવાન તા. 6/7ના રાત્રિના સમયે ઘરેથી નીકળી
ગયો હતો. બાદમાં ખાનપર ટીંબા સીમમાંથી તેની લાશ મળી આવી હતી. તેના શરીરે ઇજાના કોઇ
નિશાન નથી તેવું પોલીસે જણાવી મોતનું કારણ જાણવા લાશને જામનગર પી.એમ. અર્થે લઇ જવાઇ
હોવાનું જણાવ્યું હતું. મુંદરાના લુણી લડાલા રેલવે સ્ટેશનમાં આવેલી શ્રમિક વસાહતની
ઓરડીમાં રહેતા મૂળ મધ્યપ્રદેશના શ્રમિક એવા વસુ બાબુ ગણાત્રાની 16 વર્ષની પુત્રી સુમિત્રાએ ગઇકાલે
બપોરે કોઇ અગમ્ય કારણોસર પોતાના રહેણાકની ઓરડીમાં લાગેલા લોખંડના એંગલમાં દુપટ્ટો બાંધી
ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધાની વિગતો મુંદરા મરીન પોલીસ મથકે જાહેર થતાં પોલીસે અકસ્માત
મોતનો ગુનો દાખલ કરી તજવીજ આદરી છે. માંડવી તાલુકાના નાની ઉનડોઠમાં રહેતા પંકજભાઇ મહેશ્વરીએ
ગઇકાલે બપોરે કોઇ અકળ કારણે પોતાની વાડી ઉપર આવેલા ગોદામમાં ગળેફાંસો ખાઇ આત્મહત્યા
કરી લીધી હતી. આ અંગે તેના ભાઇ હિતેષ મહેશ્વરીએ ગઢશીશા પોલીસ મથકમાં વિગતો જાહેર કરતાં
પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.