ભચાઉ, તા. 9 : ભચાઉમાં વન વિભાગની
જમીન ઉપર કરાયેલાં દબાણ મામલે તંત્ર દ્વારા નોટિસ અપાયા બાદ દબાણકારે દબાણ
ન હટાવતાં વન તંત્ર દ્વારા કાર્યવાહી કરીને જમીનને દબાણમુક્ત કરવામાં આવી
છે. આ અંગે મળતી વિગતો મુજબ સર્વે નંબર 2000/212/2 જમીન ઉપર ગેરકાયદે ઇંટો બનાવવાના ભઠ્ઠા તેમજ મજૂરો માટે કાચી
પાકી ઓરડીઓ બનાવીને મોટા પાયે દબાણ કરવામાં આવ્યું હતું. રેન્જ ઓફિસ દ્વારા એક મહિના
પહેલા નોટિસો આપવામાં આવી હતી, પરંતુ
આ જમીન બાબતે યોગ્ય દસ્તાવેજ પુરાવા રજૂ કરાયા ન હતા. ગુનો દાખલ કરીને દબાણ ખાલી કરવા
માટે જણાવવામાં આવ્યું હતું તેમ છતાં સ્વૈચ્છિક અતિક્રમણ દૂર થયું ન હતું.
વન વિભાગ તથા પોલીસ અને મહેસૂલતંત્ર દ્વારા સંયુક્ત રીતે કાર્યવાહી કરીને 40 હેક્ટર જમીન ઉપરથી દબાણ દૂર
કરવામાં આવ્યાં છે. વનતંત્રની અનામત રખાયેલી
જમીનમા છ જણે આ દબાણ ખડકયું હતું. નાયબ વન સંરક્ષક
પૂર્વ કચ્છ દ્વારા વન વિભાગની કોઈ પણ
જમીનમાં દબાણ ન કરવા જાહેર જનતાને અપીલ કરાઈ
છે. જો દબાણ કરાશે, તો તેની સામે નિયમ મુજબ
કાર્યવાહી કરવામાં આવશે. સરકારી જમીનો ઉપર વ્યાપક દબાણો થઈ જાય છે, કરોડોની કિંમતી જમીનો ઉપર દબાણ થઈ જવા છતાં સરકારના અધિકારીઓ અને કર્મચારીઓ
દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. પરિણામે સરકારી જમીન ઉપર દબાણ કરીને ધંધા રોજગાર
રળી તેમાંથી લાખો કરોડો રૂપિયાની કમાણી કરવામાં આવે છે. જ્યારે સરકાર હરકતમાં આવે અને ગાંધીનગરથી દબાણો
દૂર કરવાનો આદેશ આવે, ત્યારે પછી સરકાર સ્થાનિક અધિકારીઓ હરકતમાં
આવે છે. ખરેખર જ્યારે દબાણ થાય છે, ત્યારે જ કાર્યવાહી કરીને
તેને રોકવામાં આવે, તો પાછળથી તમામ તંત્રોને વ્યાપક વ્યાયામ કરવાની
જરૂરત ન પડે અને રૂપિયા તેમજ સમય બંનેની બચત થઈ શકે છે, પરંતુ
આ પ્રકારે કામગીરી ન થતી હોવાના કારણે સરકારી જમીનો ઉપર દબાણ ખડકાઈ જતાં હોવાનો આક્ષેપ
જાણકારો કરી રહ્યા છે.