ગાંધીધામ, તા. 1 : શહેરના ભારતનગર વિસ્તારમાં
આવેલા આશાપુરા મંદિરની સામે પ્લોટમાં રહેલા મંડપના સામાનમાં આગ ભભૂકી ઊઠતાં આસપાસના
લોકોમાં દોડધામ થઇ પડી હતી. અહીં દોડી આવેલા લાયબંબાઓએ ત્રણેક કલાક બાદ આગ પર કાબૂ
મેળવતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. બીજી બાજુ મેઘપર (બોરીચી)ના લાકડાંના બેન્સામાં
આગ લાગતાં લાકડાં સળગી ગયાં હતાં. શહેરનાં ભારતનગર વિસ્તારમાં આવેલાં આશાપુરા મંદિરની
સામે ગઇ મોડી રાત્રે અચાનક આગ ભભૂકી ઊઠી હતી. અહીં આવેલા એક પ્લોટમાં મંડપનો સામાન
રાખવામાં આવ્યો હતો, જેમાં કોઇ
કારણોસર આગ લાગી હતી. આ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરા આસપાસના લોકો ઊંઘમાંથી જાગી ગયા
હતા અને દોડધામ થઇ પડી હતી. આગના આ બનાવથી આસપાસના લોકોના જીવ પડીકે બંધાયા હતા. બનાવ
અંગે અગ્નિશમન દળને જાણ કરાતાં પહેલાં મહાપગરનાલિકા અને બાદમાં વેલસ્પન તથા ટિમ્બર
એસો.ના લાયબંબા અહીં દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવી આગને ઓલવવા પ્રયત્નો કર્યા
હતા. ત્રણેક કલાકની દોડધામ બાદ આગ કાબૂમાં આવતાં આસપાસના લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
આ બનાવમાં કોઇ જાનહાનિ ન થઇ હોવાનું જાણવા મળ્યું હતું. બીજી બાજુ મેઘપર (બોરીચી)માં
આવેલા ઇશાન એન્ટરપ્રાઇઝ નામના લાકડાંના બેન્સામાં ગત તા. 25-4ના રાત્રિના ભાગે આગ લાગી હતી.
વિકરાળ આગની જ્વાળાઓમાં બેન્સામાં પડેલાં લાકડાં સળગીને ખાખ થયાં હતાં. અગ્નિશમન દળે
પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. બનાવ અંગે શિલ્પાબેન સૌરભ ગર્ગે પોલીસ
મથકે જાણ કરી હતી.