• શનિવાર, 02 મે, 2026

ભુજ રેલવે સ્ટેશન પાસે ભરાતાં પાણીની સમસ્યા ઉકેલાવાની આશા જાગી

ભુજ, તા. 1 : વરસાદ દરમિયાન ભુજનાં રેલવે મથકની આજુબાજુ ભરાઈ જતાં ગંદા પાણીની વર્ષોની મુશ્કેલીમાંથી હવે રાહત મળશે તે તરફની કામગીરી શરૂ કરાઈ છે.  રેલવે સ્ટેશન નજીક વરસાદી અને ગટરના ભેગા થતાં પાણીથી આજુબાજુના રહેવાસીઓ, મુસાફરો અને અહીંથી નીકળતા વાહનચાલકોને પરેશાનીનો સામનો કરવો પડે છે, ત્યારે નગરપાલિકા દ્વારા અનેક પ્રયત્ન છતાં એ ભરાતાં પાણીની સમસ્યાનો નિકાલ ન આવતા ધારાસભ્ય કેશુભાઈ પટેલ અંગત રસ લઈને સમસ્યાના હલ માટે પ્રથમ હોટેલ ડોલર - ખાવડા માર્ગથી લઈને હોટેલ દેવરાજ સુધી મજબૂત અને ઊંચાઈ ધરાવતા સીસીરોડનું નિર્માણ પછી અગાઉ ખાવડા માર્ગથી મહિલાશ્રમ ચોકડી સુધી નખાયેલા ગટર માટેના પાઈપમાં રેલવે સ્ટેશન પાસે ભરાતાં પાણીનું જોડાણ આ પાઈપલાઈનમાં નાખવાની કામગીરી શરૂ થઈ જતાં એ સમસ્યા ભૂતકાળ બની જવાની પૂરેપૂરી સંભાવના જોવાઈ રહી છે. ખાવડા રોડ રેલવે ફાટક નીચેથી પાઈપ નાખવાની કામગીરી દરમિયાન આજ વિસ્તારમાં આવેલ રતિયા ખાણા તરીકે ઓળખાતી તળાવડીમાં વર્ષોથી ભરાતા ગટરનાં પાણીના નિકાલ માટે આ જ પાઈપલાઈનમાં જો નગરપાલિકા દ્વારા જોડાણ આપી દેવામાં આવે, તો આ તળાવડીમાં ભરાતાં પાણીની સમસ્યા પણ ખતમ થઈ જશે. વરસાદ દરમિયાન તળાવડી પાસે રહેતા લોકોનાં ઘરોમાં પાણી ભરાઈ જાય છે, અહીં વરસાદ દરમિયાન આશાપુરાનગર તરફ જતો રસ્તો પણ પાણી ભરાતા બંધ થઈ જાય છે, એક વખત ગાંધીનગરી માર્ગેથી પસાર થતા મોટા પાઈપોમાંથી આ ભરાતા ગંદા પાણી પસાર થઈ જશે, ત્યારે સમસ્યાનો કાયમી હલ મળી જશે. એ ઉલ્લેખનીય છે કે, વોર્ડ-2 નાગનાથ મંદિર પાસે આવેલી રતિયા ખાણાના ગટરનાં પાણીનો મુદ્દો નગરપાલિકાની ચૂંટણી દરમિયાન ઉછળતો હોય છે, પણ એ તરફની કામગીરી શૂન્ય હોવાથી અહીંના લોકોના મતદાનનો ઉત્સાહ પણ ઘટતો જોવા મળે છે.  

Panchang

dd