ભુજ / ગાંધીધામ, તા. 1 : લખપત તાલુકાની
વર્માનગર કોલોનીમાં આવેલા એક મકાનમાં મહિપતસિંગ મગજી ગોહિલ (ઉ.વ. 19) નામના યુવાને અગમ્ય કારણે ગળેફાંસો
ખાઇ આપઘાત કર્યો હતો, જ્યારે રાપરમાં
નગરપાલિકાની કચેરી સામે ઓધવ મંદિર પાસે રહેનાર મિતેષકુમાર મનસુખલાલ પટેલ (ઉ.વ. 42) નામના યુવાનનું કોઇ કારણે મોત થયું હતું. પોલીસે આપેલી વિગતો
મુજબ સુભાષપરના રહેવાસી એવા હતભાગી યુવાને કોઇ અકળ કારણે વર્માનગર કોલોની સ્થિત એક
મકાનમાં પંખામાં લુંગી બાંધી જીવનનો અંત આણ્યો હતો. આ બાબતે નારાયણ સરોવર પોલીસે અકસ્માત
મોત અંગે નોંધ કરી આ યુવકને મરવા મજબૂર કરનારાં કારણો જાણવા સહિતની આગળની તપાસ હાથ
ધરી છે. બીજી તરફ રાપરમાં નગરપાલિકા કચેરી સામે રહેનાર મિતેષ નામનો યુવાન ગઇકાલે સવારે
પોતાના ઘરે હાજર હતો. સવારના સાતેક વાગ્યે તે ખાટલા ઉપર બેઠો હતો, દરમ્યાન, અચાનક ખાટલા
પરથી ઢળી પડતાં આ યુવાનને સારવાર અર્થે હોસ્પિટલ લઇ જવાયો હતો, જ્યાં ફરજ પરના તબીબે આ યુવાનને મૃત જાહેર કર્યો હતો. પોલીસે બનાવ અંગે નોંધ
કરી બનાવ પછવાડેનું કારણ જાણવા આગળની તપાસ હાથ ધરી છે.