નવી દિલ્હી, તા. 1 : મધ્ય-પૂર્વનાં
મહાયુદ્ધ પછી સર્જાયેલાં ઊર્જા સંકટની અસર ભારત પર પણ દેખાવા માંડી છે. મે મહિનાના
પહેલા દિવસથી જ કોમર્શિયલ (ધંધાદારી) ગેસ સિલિન્ડરની કિંમતમાં 994 રૂપિયાનો તોતિંગ વધારો ઝીંકાયો
છે. આંતરરાષ્ટ્રીય એરલાઈન્સ માટે એટીએફની કિંમતમાં પણ પાંચ ટકાનો વધારો કરાયો છે. દેશમાં
રાંધણગેસની કોઈ અછત નથી, ગભરાઈને વધુ
પડતી ગેસખરીદી ટાળજો તેવી ભલામણ જનતાને કેન્દ્ર સરકારે કર્યાના બીજા જ દિવસે શુક્રવારે
આ વધારાનો કડવો ડોઝ અપાતાં રસોડાં બહાર બનતી રસોઈનો સ્વાદ મોંઘો પડી શકે છે. ભાવવધારાના
ભડકા બાદ રાજધાની દિલ્હીમાં ધંધાદારી ગેસના બાટલાનો ભાવ 3071.50 રૂપિયા થઈ ગયો છે. બીજી તરફ, પાંચ કિલો વજનવાળા ફ્રી ટ્રેડ એલપીજી (એફટીએલ)
સિલિન્ડરની કિંમતમાં પણ 261 રૂપિયાનો
વધારો કરાયો છે. આ વધારા બાદ નાના સિલિન્ડરની કિંમત વધીને 813.50 રૂપિયા થઈ ગઈ છે. કોમર્શિયલ
સિલિન્ડરના ભાવોમાં 994 રૂપિયાનો
વધારો થતાં હોટેલ, રેસ્ટોરેન્ટ
માલિકોનો ખર્ચ વધશે. ચા-નાસ્તા-હોટેલોમાં ભોજનના ભાવ પણ વધી શકે છે. લગ્ન પ્રસંગોનાં
કેટરિંગ પણ મોંઘાં થઈ શકે છે. પાંચ કિલો વજનવાળા નાનકડા સિલિન્ડર કોઈ પણ વ્યક્તિ સરનામાના
પુરાવા વગર લઈ શકે છે. તનો વધારે પડતો ઉપયોગ પ્રવાસી મજૂરો, છાત્રો
અથવા નાના ધંધાર્થીઓ કરતા હોય છે. દરમ્યાન, કેન્દ્ર સરકારે પહેલી
મેથી જ 15 દિવસ માટે ડીઝલની નિકાસ પર
ખાસ વધારાની એક્સાઈઝ ડયૂટી 55.5 રૂપિયામાંથી
ઘટાડીને 23 રૂપિયા પ્રતિલિટર કરી દીધી
છે. એટીએફ એટલે કે હવાઈ ઈંધણ પર પણ ખાસ વધારાની એક્સાઈઝ ડયૂટી 42 રૂપિયામંથી ઘટાડીને પ્રતિલિટર
33 રૂપિયા કરી દેવાઈ છે. એ સિવાય
પેટ્રોલિયમ મંત્રાલયે ઈંધણની પરિભાષા બદલતાં હવે એટીએફમાં સિંથેટિક ફ્યુઅલ ઉમેરવાની
છૂટ આપી દીધી છે. ડયૂટી ઓછી થવાથી રિલાયન્સ અને નાયરા જેવી ભારતીય કંપનીઓને વિદેશી
બજારોમાં ઈંધણ વેચવું સસ્તું થઈ શકશે, જેથી આ કંપનીઓના નફામાં વધારો થઈ શકશે. બીજી તરફ નાણાં મંત્રાલયે સ્પષ્ટ કર્યું
હતું કે, ઘરેલુ ખપત માટે પેટ્રોલ, ડીઝલ
પર એક્સાઈઝ ડયૂટીમાં કોઈ બદલાવ નથી કરાયા, આમ પેટ્રોલ,
ડીઝલની કિંમતો સ્થિર રહેશે. - પેટ્રોલ-ડીઝલમાં પાંચ અને રાંધણગેસમાં
50 રૂપિયા વધશે : નવી દિલ્હી, તા. 1 : યુદ્ધ પ્રેરિત ઊર્જા સંકટની આકરી અસર રૂપે ક્રૂડતેલના ભાવમાં
ભડકાની આગ ધંધાદારી ગેસ સુધી પહોંચી ગઇ છે, ત્યારે હવે આ આગની લપેટમાં આવતાં પેટ્રોલ, ડીઝલના ભાવ
પણ વધી શકે છે. બન્ને મહત્ત્વના ઇંધણની કિંમત
પ્રતિ લિટર ચારથી પાંચ રૂપિયા વધી શકે છે, તો ઘરેલુ રાંધણગેસના
ભાવમાં પણ પ્રતિ સિલિન્ડર 40થી 50 રૂપિયાનો
ઉછાળો આવી શકે છે. કેન્દ્ર સરકારનાં ટોચનાં સત્તાવાર સૂત્રોએ કહ્યું હતું કે, સરકાર ઇંધણોની કિંમત વધારીને સરકારી ખજાના પર
ભારણ ઘટાડવા માગે છે. પશ્ચિમ એશિયાની પરિસ્થિતિ પર સરકાર સતત નજર રાખી રહી છે. હજુ
સુધી કોઇ અંતિમ ફેંસલો થયો નથી, પરંતુ પાંચથી સાત દિવસમાં વધારા પર નિર્ણય લેવાય,
તેવી શક્યતા છે. સરકારી સૂત્રોનું કહેવું છે કે, કાચાં તેલની વૈશ્વિક કિંમતોમાં વધારો થવાનાં કારણે ઓઇલ કંપનીઓને પેટ્રોલ-ડીઝલના
વેચાણમાં નુકસાન થઇ રહ્યું છે. સરકાર એ સુનિશ્ચિત કરવા પ્રયાસ કરી રહી છે કે,
મોંઘવારીની અસર કમસેકમ થાય. આંતરિક ચર્ચાઓનો દોર જારી છે. દરમ્યાન કેન્દ્રીય
પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રી હરદીપસિંહ પુરીએ કહ્યું હતું કે, દુનિયામાં ભાવ વધ્યા છે. હવે થાય તો ચાર વર્ષ બાદ પહેલો વધારો હશે.