1લી મેના 66મા સ્થાપના
દિવસે ગુજરાત ગૌરવાન્વિત છે. રવિશંકર મહારાજ, ઇન્દુલાલ યાજ્ઞિક જેવા મહાપુરુષોના પુરુષાર્થથી સીંચાયેલી ગુર્જર ધરાએ દેશને
અનેક મહાન રત્નો આપ્યાં છે. જય-જય ગરવી ગુજરાત, દિસે અરુણ પ્રભાતનું
મહિમાગાન આજે ચોમેર સાર્થક થયેલું જોવા મળે છે. ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્ર મોદી
અને અમિત શાહ આજે વડાપ્રધાન અને ગૃહપ્રધાન તરીકે દેશની બાગડોર સંભાળી રહ્યા છે. યોગાનુયોગ
સુરતમાં બે દિવસ માટે યોજાઇ રહેલી પ્રાદેશિક વાયબ્રન્ટ સમિટ રાજ્યના બહેતર વિકાસનો
રોડમેપ દર્શાવશે. સ્થાપના દિવસ પૂર્વે જ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીનાં પરિણામ
આવતાં ભારતીય જનતા પાર્ટીએ ભવ્ય વિજય નોંધાવ્યો છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર
પટેલે જનસમર્થનનાં ઓવારણાં લેતાં યોગ્ય જ કહ્યું છે કે, એક સમયે
રણ, દરિયો અને ડુંગર ધરાવતું રાજ્ય કઇ રીતે આગળ વધશે એ પ્રશ્ન
વિકટ હતો, પરંતુ આજે ગુજરાત દેશભરમાં સુનિયોજિત વિકાસનું રોલમોડેલ
બની રહ્યું છે. 2027નું ભારત
વિકસિત ભારત હશે તેવા ધ્યેય સાથે આજે અનેક પ્રકલ્પ હાથ ધરાઈ રહ્યા છે. ડો. અબ્દુલ કલામ
પણ આ વાત કરતા કે, હવે આપણે વિકાસશીલમાંથી
વિકસિત રાષ્ટ્ર બનવાનું છે. આજે દેશ તે દિશામાં આગળ વધી રહ્યો હોવાની વાત છે. આ યાત્રામાં
સ્વાભાવિક રીતે ગુજરાત હોય જ અને અગ્ર હોવું જોઈએ. યશસ્વી રાજાઓ, પંચરંગી પ્રજાઓ અહીં વસી. નામાંકિત વંશજોએ અહીં રાજ કર્યું. ગુજરાત 2500 વર્ષથી પણ વધારે સમયથી વહાણવટાના
માધ્યમથી વિશ્વ સાથે જોડાયેલું છે. ઈતિહાસનું ગુજરાત અને ગુજરાતનો ઈતિહાસ બન્ને વિશિષ્ટ
રહ્યા છે. સ્વતંત્રતાની લડાઈમાં ગુજરાતે દેશને દિશાદર્શન આપ્યું એમ નહીં ગુજરાતમાં
જન્મેલા ગાંધીજીએ વિશ્વને શીખવ્યું કે, કઈ રીતે સ્વતંત્ર થવાય અને રહેવાય. સરદાર વલ્લભભાઈ પટેલે ખરા અર્થમાં એકતા
શું? અને એક લોકશાહી રાષ્ટ્ર શું ? તેની
મિસાલ વિશ્વ સમક્ષ મૂકી. એવા સેંકડો મહાપુરુષોએ આ ધરતીને પોષી. પ્રજાવત્સલ રાજવીઓ,
સમર્પિત નેતાઓ-લોકસેવકો આ ધરતી ઉપર થયા જેના પ્રતાપે આ રાજ્ય જગમાં જાણીતું
છે. વિકાસ ગુજરાતનો પર્યાય રહ્યો છે, આજે જ નહીં અગાઉ પણ. ધર્મ,
શિક્ષણ, સાહિત્ય, સમાજ,
રમતગમત અને અલબત્ત, વેપાર ઉદ્યોગમાં ગુજરાતે વિશ્વસ્તરની
પ્રતિભાઓ આપી છે. 1 મે, 1960ના રોજ સ્વતંત્ર
રાજ્ય તરીકે ગુજરાત અસ્તિત્વમાં આવ્યું તે વિકાસ વેગવંતો રહ્યો. મહાનદીઓ, મહાસાગરથી લઈને મહાઉદ્યોગોથી આ મહાજાતિ ગુજરાતી
(સ્મરણ ચંદ્રકાન્ત બક્ષી) રળિયાત છે. પ્રજાના પરિશ્રમે આ રાજ્યને સતત પ્રગતિશીલ રાખ્યું
છે. પ્રથમ મુખ્યમંત્રી જીવરાજ મહેતા, પંચાયતીરાજના પ્રણેતા બળવંતરાય
મહેતા, વિચક્ષણ ગણાયેલા ચીમનભાઈ પટેલ, જનસામાન્યના
પ્રતિનિધિ કેશુભાઈ પટેલ સહિતના શાસકોએ આ પ્રગતિને ગતિ આપી. નરેન્દ્ર મોદીનો કાળખંડ
સૌથી નોંધપાત્ર રહ્યો, જેમાં ગુજરાતનો સર્વાંગી વિકાસ વૈશ્વિક
દૃષ્ટિપાતનું કેન્દ્ર રહ્યો. વિશેષત: પ્રવાસન, ટેક્નોલોજી ક્ષેત્રે
રાજ્ય સતત આગળ વધ્યું. સ્વ. વિજય રૂપાણીના પાંચ વર્ષ કુદરતી આપદાના પડકારવાળા રહ્યા
છતાં રાજ્યની પ્રગતિ અટકી નહોતી. વર્તમાન મુખ્યમંત્રી
ભૂપેન્દ્ર પટેલ પણ આ યાત્રા સુપેરે આગળ વધારી રહ્યા છે. ગુજરાત પાસે વિશ્વસ્તરના ઉદ્યોગગૃહો
છે, તો વિશ્વસ્તરની યુનિવર્સિટીઓ પણ છે. ક્યારેક-ક્યારેક એવી વાત આવી જાય છે કે,
રાજ્યનો વિકાસ કરવો હોય તો દારૂબંધી હોવી ન જોઈએ. આજનું ગુજરાત દારૂબંધી
સાથે જ વિકસ્યું છે તે ભૂલવું જોઈએ નહીં. સ્વતંત્રતાની સદીએ ગુજરાત પણ વિકસિત હોય તે
સૌની આશા હોય જ અને તેમાં ક્યાંય કોઈ મૂલ્યોમાં ફેરફાર કરવાની જરૂર નથી. શાસકો,
પ્રશાસન અને પ્રજાએ ફક્ત નિયત સાફ રાખવાની છે, વિકાસ તો ગુજરાતની નિયતિ છે.