ભુજ, તા. 30 : કચ્છની વિવિધ ક્ષેત્રની પ્રતિભાઓને
કચ્છ રાજ્યરત્ન એવોર્ડથી સન્માનિત કરી કચ્છના રાજવી પરિવારે માત્ર ગુજરાત જ નહીં, પણ દેશના
રાજવી પરિવારો માટે અનુકરણીય અને પ્રેરણાદાયી પગલું ભર્યું છે એમ આજે ભુજ ખાતે
પ્રાગમહેલ પરિસરમાં કચ્છના રાજવી પરિવાર દ્વારા
મહારાણી પ્રીતિદેવીની ઉપસ્થિતિમાં કચ્છની જુદાં-જુદાં ક્ષેત્રની પાંચ પ્રતિભાને કચ્છ
રાજ્યરત્ન એવોર્ડથી સન્માનવામાં આવી એ અવસરે એવોર્ડ પસંદગી સમિતિના સભ્ય અને કચ્છમિત્રના
તંત્રી દીપકભાઈ માંકડે જણાવ્યું હતું. - રાજપરિવાર અને કચ્છ : રાજવી પરિવારને છાજે એવા ગરિમાપૂર્ણ માહોલમાં પ્રાગમહેલના વિશાળ
પટાંગણમાં દબદબાભર્યો સમારંભ મહારાવ પ્રાગમલજી ત્રીજાની 90મી જન્મજયંતી અવસરે યોજવામાં આવ્યો હતો.
મહારાણી પ્રીતિદેવીએ એવી ભાવના વ્યક્ત કરી કે, કચ્છનો વિકાસ અને સુખ-શાંતિ રાજપરિવારના હૈયે હતાં અને છે. મહારાવે કચ્છની
સદાય ચિંતા સેવી હતી. કચ્છ માટે જીવનભર કરી છૂટનારાં વ્યક્તિત્વોને સન્માનિત કરીને
એક રીતે કચ્છ પ્રત્યેની લાગણી વ્યક્ત કરી છે.
સમારોહમાં પાંચ વિવિધ ક્ષેત્રમાં આજીવન બહુમૂલ્ય પ્રદાન કરનારી પ્રતિભાઓનું
બહુમાન કરવાનું કચ્છના રાજવી પરિવારના મહારાણી પ્રીતિદેવીએ નક્કી કરતાં કચ્છની અસ્મિતાના સંવાહકો સમાન પાંચ વ્યક્તિવિશેષને
સૌપ્રથમવાર મહારાવ પ્રાગમલજી ત્રીજા અને મહારાણી પ્રીતિદેવી કચ્છ રાજ્યરતન એવોર્ડ એનાયેત
કરવામાં આવ્યો હતો. - પાંચ પ્રતિભા
: આ એવોર્ડ મેળવનારાઓમાં કચ્છ પર્યાવરણરત્ન એવોર્ડ પર્યાવરણવિદ્ અને પક્ષીવિદ્
જુગલકિશોર તિવારી, કચ્છી ભાષારત્ન
એવોર્ડ પદમશ્રી પુરસ્કૃત કચ્છી સાહિત્યકાર નારાયણ જોશી `કારાયલ', કચ્છ સંસકૃતિરત્ન ઓવોર્ડ સૃજનના મેનેજિંગ
ડાયરેક્ટર અમીબેન શ્રોફ, કચ્છ કલારત્ન એવોર્ડ કમાંગરી કલાને પુનર્જીવિત
કરનારા જાણીતા ચિત્રકાર હસમુખ મચ્છરને તથા કચ્છ ખેલરત્ન એવોર્ડ જાણીતા તરણવીર જયેન્દુ
શુક્લને મહારાણી પ્રીતિદેવી તથા મંચસ્થ ઉપસ્થિત
મહાનુભાવોને હાથે એનાયેત કરવામાં આવ્યા હતા. તમામને આ એવોર્ડમાં કચ્છી શાલ, કચ્છી પાઘડી, સ્મૃતિચિહ્ન તથા રૂા. એક લાખના માનધનનો સમાવેશ થાય છે. - મહારાવને શ્રદ્ધાંજલિ : દીપકભાઈએ કચ્છના રાજવી પરિવાર દ્વારા કચ્છ
રાજ્યના સમયમાં તથા એ પછી કરવામાં આવેલાં પ્રજાલક્ષી કાર્યોની સરાહના કરતાં કચ્છની
પંચવિભૂતિઓનાં સન્માનનું કાર્ય મહારાવ પ્રાગમલજી ત્રીજાને તેમના 90મા જન્મદિવસની અનોખી ભેટ સમાન ગણાવી હતી.
તેમણે કહ્યું કે, પ્રાગમલજી
ત્રીજા અલગ કચ્છ રાજ્યના હિમાયતી હતા. લોકસભાની ચૂંટણી ટૂંકા અંતરથી હારી જવાને બદલે
જીત્યા હોત તો કચ્છનો ઇતિહાસ જુદો જ હોત. એવોર્ડ પસંદગી સમિતિમાં દીપકભાઈ ઉપરાંત આરતીબા જાડેજા, કુમાર હર્ષઆદિત્યાસિંહજી
તથા લેખક- સંશોધક સંજય ઠાકરે સેવા આપી હતી. - સ્વાગત પ્રવચન : આ અગાઉ તેરા ઠાકોર પરિવારના મહારાણી આરતીબા જાડેજાએ સ્વાગત પ્રવચન
કરતાં રાજવી પરિવાર દ્વારા પ્રાગમહેલ પરિસર, ચાડવા રખાલ, રણજિત વિલાસ પેલેસ તથા વિજયવિલાસ પેલેસના
વિકાસ તથા નવનિર્માણ માટે કરાયેલાં કાર્યોની વિગતો આપી હતી. રાજવી પરિવારના મહારાણી
પ્રીતિદેવી, દેવપર ઠાકોર પરિવારના કૃતાર્થસિંહજી, તેરા જાગીરના મયૂરધ્વજસિંહજી,
આરતીબા જાડેજા, નલિયા ઠાકોર પરિવારના કુંવર ઈન્દ્રવિજયસિંહજી,
કુંવર હર્ષઆદિત્યસિંહ, દીપકભાઈ, સંજયભાઈ ઠાકર વગેરે મંચસ્થ રહ્યા હતા અને તેમના હાથે એવોર્ડ મેળવનાર મહાનુભાવોનું સન્માન કરવામાં આવ્યું હતું. એવોર્ડ મેળવનાર તમામ એવોર્ડ વિજેતાઓએ આભારની લાગણી
વ્યક્ત કરતા પ્રતિભાવો આપ્યા હતા.આ અવસરે મહારાવ પ્રાગમલજી ત્રીજાના જીવન તથા પ્રાગમહેલ,
રણજીતવિલાસ, વિજયવિલાસ, ચાડવા
રખાલ, પરિસરના રાજવી પરિવાર દ્વારા કરવામાં આવેલાં નવવિર્માણ
દર્શાવતી ટૂંકી ફિલ્મ દર્શાવવામાં આવી હતી. ફિલ્મની પરિકલ્પના અને નિર્દેશન હર્ષઆદિત્યસિંહનું
હતું. સમારંભનું સંચાલન હેમાંશુ રાસ્તે તથા નિધિ રાસ્તેએ કર્યું હતું. આ અવસરે અબડાસા
મતવિસ્તારના ધારાસભ્ય પ્રદ્યુમનાસિંહ જાડેજા, કચ્છના પૂર્વ સાંસદો
પુષ્પદાન ગઢવી, બાબુભાઈ શાહ, કચ્છ યુનિવર્સિટીના
કુલપતિ ડો. મોહનભાઈ પટેલ, દેશના જાણીતા વેજ્ઞાનિક ડો. જે. જે.
રાવલ, નારાયણ સરોવર જાગીરના મહંત સોનલલાલજી મહારાજ, રવીન્દ્ર સંઘવી, શંકરભાઈ સચદે, ભરતભાઈ ધોળકિયા, દીપેશભાઈ શ્રોફ, જોરાવરાસિંહ રાઠોડ, કચ્છમિત્રના મેનેજર મુકેશ ધોળકિયા
સહિતના અગ્રણીઓ, રાજવી પરિવારના સદસ્યો સહિત જિલ્લાના વિવિધ વિસ્તારમાંથી
આવેલા સમાજના તમામ વર્ગના વિવિધ ક્ષેત્રના અગ્રણીઓની હાજરીથી સમારોહનો માહોલ જાજરમાન
બન્યો હતો. - કચ્છીયતને ઉજાગર કરતું
વિશિષ્ટ સ્મૃતિચિહ્ન : કચ્છ રાજ્યરત્ન
સન્માનમાં સન્માનિતોને અપાયેલી મોમેન્ટો વિશિષ્ટ બની રહી હતી. જૂનાં કચ્છી ચલણ કોરીના
આકારમાં અપાયેલું સ્મૃતિચિહ્ન ચાંદીનાં આવરણથી મઢવામાં આવ્યું હતું, તેની ડિઝાઇન તેરાના કુમાર હર્ષઆદિત્યાસિંહે
તૈયાર કરી છે. - પર્યાવરણ જતન માટે પહેલ : જાહેર કાર્યક્રમોમાં પ્લાસ્ટિક ગ્લાસ, કપ અને બીજા પાકિંગ મટીરિયલનો ઉપયોગ થતો હોય
છે, ત્યારે કચ્છ રાજ્યરત્ન સન્માન સમારોહમાં માટીના કપ અને ગ્લાસનો
ઉપયોગ કરાયો હતો. પર્યાવરણ જતન સાથે માટીના કારીગરોને ઉત્તેજન આપવાની પહેલને સૌ ઉપસ્થિતોએ
પ્રેરક ગણાવી બિરદાવી હતી.