ગાંધીધામ, તા. 1 : આ શહેર-સંકુલને ભ્રષ્ટાચારનો
ભોરિંગ મૂકતો જ નથી. તંત્રમાં બેઠેલા અમુક ભ્રષ્ટ અને પલળેલા કર્મીઓ ઇયળની જેમ વિકાસનાં
કામોમાં કટકીરૂપી ભોજન ખાઇ રહ્યા છે. શહેરના રામપથ રોડ પર ચાલતા રોડનાં કરોડોનાં કામો
તથા ગટરનાં કામોમાં લોટ-પાણી ને લાકડાંની નીતિ અપનાવાતી હોવાના આક્ષેપ ઊઠયા છે. રોડ
તૈયાર નથી થયો ને ભૂવા પડી ગયા છે, તો બીજીબાજુ ગટરની ચેમ્બર બનાવવા વપરાતી ઇંટો, પાઈપલાઇન
નબળી ગુણવત્તાની હોવાની પણ રાવ ઊઠી છે. કમિશનર આ ભ્રષ્ટાચાર રોકાવે તેવી માંગ લોકોમાં
ઊઠી છે. આ શહેર સંકુલમાં નગરપાલિકા વખતથી ભ્રષ્ટાચારના આક્ષેપ થતા આવ્યા છે,
પણ કોઇ કર્મચારી વિરુદ્ધ પગલાં લેવાયા હોય તેવા સમ ખાવા પૂરતા એકેય કિસ્સા
જાહેર થયા નથી. જો પલળેલા અને ભ્રષ્ટ કર્મીઓ સામે લાલઆંખ નહીં કરાય તો પેંધા પડી ગયેલા
આવા કર્મીઓ વધુ ફાવી જશે અને સરકાર તરફથી આવતી કરોડોની ગ્રાન્ટ ઊધઇની જેમ ખાઇ જશે તેવી
ચર્ચા ખુદ તંત્રમાં થઇ રહી છે. પાલિકા બાદ મહાનગરપાલિકા બન્યા બાદ પણ આવા કર્મીઓ કટકી
કરવામાં અટક્યા ન હોવાનું સમજાય છે. અગાઉ પણ લોટ, પાણી ને લાકડાંની
નીતિ અપનાવાતી હતી જે હજુ પણ યથાવત્ હોવાનું જણાય છે. શહેરના સુંદરપુરીમાં રામપથ રોડનું
કરોડોના ખર્ચે કામ થઇ રહ્યું છે, જેમાં સુંદરપુરી પાણીના ટાંકાથી
હીરાલાલ પારેખ સર્કલ બાજુ જતા માર્ગનું કામ પૂર્ણ થવાના આરે છે. બીજીબાજુ હજુ કામ ચાલુ
છે તેવામાં નવા બનેલા રોડમાં ભૂવો પડી જતાં કામ ભ્રષ્ટાચારની ચાડી ખાય છે અથવા ત્યાં
નિરીક્ષણનો અભાવ જણાતો હોવાના આક્ષેપ સ્થાનિક લોકોએ કર્યા હતા. બીજીબાજુ આ માર્ગ પાસે
ગટરની નવી લાઇન નાખવામાં આવી રહી છે, જેમાં નખાતા નવા પાઇપ નબળી
ગુણવત્તાના અને તૂટેલા નખાતાં હોવાના આરોપ લોકોએ લગાવ્યા હતા તેમજ ચેમ્બર બનાવવા વપરાતી
ઇંટો તૂટેલી અને હલ્કી ગુણવત્તાની તથા ચેમ્બર બનાવતી વખતે વાંટા ભરવાની જગ્યાએ રબ્બર
ફીટ કરાય છે તે પણ યોગ્ય રીતે ન કરાતી હોવાનો રોષ લોકોએ વ્યક્ત કર્યો હતો. અગાઉ નગરપાલિકાએ
અમુક ઠેકેદારોનાં નામ કાળી યાદીમાં નાખી દીધાં હતાં, ત્યારે લોટ,
પાણી ને લાકડાંની નીતિ અપનાવતા આવા ઠેકેદારોને કમિશનર કાળી યાદીમાં નાખશે
કે કેમ તેવા પ્રશ્નો લોકો પૂછી રહ્યા છે અને જ્યાં વિકાસનાં કામો પ્રગતિમાં છે ત્યાં
સચોટ નિરીક્ષણ કરાવવા, થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન કરાવવાની માંગ
પણ સ્થાનિકોએ કરી હતી.