• શનિવાર, 02 મે, 2026

ગુજરાત સંતુલિત વિકાસનું મોડેલ : મુખ્યમંત્રી

સુરત તા. 1 (અમારા પ્રતિનિધિ તરફથી) : આજથી સુરતમાં બે દિવસીય વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ શરૂ થઈ છે. પ્રથમ દિવસે વાયબ્રન્ટ સમિટને સંબોધતાં પહેલાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલે કોન્ફરન્સની સાથે યોજાયેલ  ગ્રીન એનર્જી, કૃષિ, ટેક્સટાઇલનાં પ્રદર્શનનું ઉદઘાટન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, વીજળી, પાણી અને માર્ગ જેવી માળખાંકીય બાબતોમાં પડકારો પાર કરીને ગુજરાત આગળ વધ્યું છે. કચ્છના રણથી પહાડી વિસ્તારોમાં ઇકો ટૂરિઝમ હબ સાથે ગુજરાત સંતુલિત વિકાસનાં મોડેલ તરીકે ઊભર્યું છે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલે પ્રદર્શનના વિવિધ પેવેલિયન અને સ્ટોલની મુલાકાત લઈને ઉદ્યોગકારો અને સ્ટાર્ટઅપ પ્રતિનિધિઓ સાથે ચર્ચા કરી હતી. નવીન ટેકનોલોજી, ગ્રીન એનર્જી એકમો, કૃષિમાં આધુનિક પદ્ધતિઓ અને સેવા ક્ષેત્રના વિકસતા મોડેલ અંગે વિગતવાર માહિતી મેળવી હતી. નોંધવું કે, દક્ષિણ ગુજરાતના છ જિલ્લાની વાયબ્રન્ટ કોન્ફરન્સનો મુખ્ય હેતુ રિજનલ ઇન્ડસ્ટ્રીય ગ્રોથને ગતિ આપવી, રોકાણકારોને આકર્ષવા અને રોજગારના નવા અવસરો ઊભા કરવાનો છે. આ પ્રદર્શનને ઔદ્યોગિક અને મેન્યુફેક્ચારિંગ ક્ષેત્ર, ગ્રીન એનર્જી અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ, કૃષિ, ફૂડ પ્રોસાસિંગ અને સેવા ક્ષેત્ર એમ મુખ્ય ત્રણ વિભાગોમાં વિભાજિત કરવામાં આવ્યું હતું. આ પ્રદર્શન અંતર્ગત નવીન પ્રોડક્ટ્સ, ટેકનોલોજી, મશીનરી, સ્ટાર્ટઅપ ઇનોવેશન અને સરકારી યોજનાઓનું પણ પ્રદર્શન કરવામાં આવ્યું છે. વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક સમિટ દરમિયાન સસ્ટેનેબિલિટી હિલ નામની એક નવીન પહેલ થઈ છે. જે ટેક્સટાઇલ અને એનર્જી ક્ષેત્રમાં સસ્ટેનેબિલિટી તરફ મહત્ત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહી છે. સસ્ટેનેબિલિટી હિલની પહેલ ટેક્સટાઈલ એન્ડ એપેરલ ડેવલપમેન્ટ એસોસીએશન  દ્વારા કરાઈ છે, જેમાં કાચા ફાઇબરથી લઈને તૈયાર ગાર્મેન્ટ સુધીની સમગ્ર ટેક્સટાઇલ સપ્લાય ચેઈનને રજૂ કરાઈ છે. સંગઠનના પ્રમુખ ડો. અજય ભટ્ટાચાર્યએ કહ્યું હતું કે, કેળાના રેસામાં કપાસ ભેળવીને કેળાનો યાર્ન બનાવવામાં આવી રહ્યો છે. તેવી જ રીતે, વાંસ, અનાનસ, શણ, હિમાલયન ઘાસમાંથી યાર્ન બનાવવામાં આવી રહ્યું છે અને તેમાંથી કાપડ બનાવવામાં આવી રહ્યું છે. - વિશેષ મેંગો ફેસ્ટિવલ યોજાયો : દક્ષિણ ગુજરાતનો ઉમર ગામથી લઈને સુરત સુધીનો પટ્ટો બાગાયત ખેતી માટે જાણીતો છે. વિશેષ કરીને નવસારીની કેસર અને વલસાડી હાફૂસ કેરી સૌની પસંદીદા છે. આજે શરૂ થયેલી વાયબ્રન્ટ કોન્ફરન્સમાં વિશેષ મેંગો ફેસ્ટિવલ યોજાયો છે, જેની મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલે મુલાકાત લીધી હતી. પ્રદર્શનમાં રાજ્યના દક્ષિણ ગુજરાતમાં ઊગતી કેરીની જાતો રજૂ કરવામાં આવી હતી.  

Panchang

dd