મુંદરા, તા. 1 : મુંદરા પોર્ટ પર મિસડિક્લેરેશનની
અવારનવાર બહાર આવતી ઘટનાઓમાં વધુ એકનો ઉમેરો થયો છે. ગુપ્ત બાતમીના આધારે અમદાવાદ ડી.આર.આઈ.એ
છેલ્લા બે દિવસથી કરેલી કાર્યવાહીમાં રૂા. 19.87 કરોડની કિંમતનો આયાતી સિગારેટનો જથ્થો ઝડપી પડાયો હતો. આ મામલે
આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે. સત્તાવાર સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ, સિંગાપુરથી આવેલા કન્ટેનરમાં અને દાદરી આઈસીડીએસ
જતા કન્ટેનરમાં બાતમીના આધારે તપાસ કરતાં 22.80 લાખ નંગ ડુપ્લીકેટ ગોલ્ડ ફ્લેક સિગારેટનો જથ્થો મળી આવ્યો હતો.
સત્તાવાર દસ્તાવેજોમાં ટિસ્યૂ પેપરનો જથ્થો દર્શાવાયો હતો. દરમિયાન, આયાત-નિકાસ સાથે સંકળાયેલા સૂત્રોએ જણાવ્યું હતું કે, ઓરિજિનલ આયાતી સિગારેટમાં ડયૂટી વધુ લાગે છે. એટલે ડયૂટીચોરી માટે મિસડિક્લેર
કરીને માલ મગાવવામાં આવે છે. આ સાથે એ પણ પ્રશ્નો ઊભા થાય છે કે, ડીઆરઆઈએ જાહેર કરેલો નકલી સિગારેટનો જથ્થો ખરેખર નકલી છે કે કેમ ? કારણ કે, ભારતમાં અસલી આયાતી સિગારેટો પૂરા પ્રમાણમાં
મળે છે. તો નકલી સિગારેટ તો લોકો લે શા માટે ? આમાં ડીઆરઆઈ અને
જે આયાતકાર કંપનીનો માલ ઝડપાયો છે, એની વચ્ચેની કંઈક સાઠગાંઠની
પણ શંકા ઊભી કરે છે. - ડ્રાય ખજૂરનાં 60થી 70 કન્ટેનર રોકાયાં : દરમિયાન, સૂત્રોના
જણાવ્યા મુજબ મુંદરા પોર્ટ પર ડ્રાય ખજૂરનાં 60થી 70 કન્ટેનર અટકાવવામાં આવ્યાં છે, જેમાં મોટી દાણચોરી બહાર આવવાની શક્યતા ઊભી
થઈ છે. આ મોડસ ઓપરેન્ડી મુજબ, પાકિસ્તાનથી ખજૂર આયાત કરવામાં
આવે તો 200 ટકા જેવી ઈમ્પોર્ટ ડયૂટી છે.
જે બચાવવા માટે દુબઈથી આયાત થયાનું દર્શાવાય છે અને ખરેખર ઘણા કન્ટેનર પાકિસ્તાન જોડાણ
ધરાવતા હોવાની સંભાવના ઊભી કરે છે. આ સંદર્ભે કસ્ટમ અને ડીઆરઆઈ તંત્ર આવી રાષ્ટ્રવિરોધી
અને સરકારી તિજોરીને નુકસાન પહોંચાડતી પ્રવૃત્તિ ઉપર રોક લગાવે એ જરૂરી બન્યું છે.