• ગુરુવાર, 30 એપ્રિલ, 2026

અંજારમાં નિશાચરોનો આતંક : વેપારીના ઘરમાંથી 2.95 લાખની તસ્કરી

ગાંધીધામ, તા. 29 : ઐતિહાસિક અંજાર નગરમાં ફરી એકવાર તસ્કરોએ તરખાટ મચાવ્યો છે. અહીં સ્વામી વિવેકાનંદ સોસાયટીમાં રહેતા અને વ્યવસાયે વેપારી એવા એક પરિવારના બંધ મકાનને નિશાન  બનાવી નિશાચરોએ તેમાંથી રૂા. 2,95,000ની મતાનો હાથ મારી ફરાર થઈ ગયા હતા. આ બનાવને પગલે ભારે ચકચાર પ્રસરી હતી. અંજારના ગાયત્રી ચારરસ્તા નજીક આવેલી સ્વામી વિવેકાનંદ સોસાયટીનાં મકાન નંબર 78માં તસ્કરોએ ખાતર પાડયું હતું. આ ઘરમાં રહેનાર ફરિયાદી રાજેશ જયરામ પ્રજાપતિ જેસલ-તોરલ નજીક રજવાડી સ્ટોર્સ નામની દુકાન ચલાવે છે. આ ફરિયાદી પોતાના પત્ની હંસાબેન અને બે બાળકો સાથે સામાજિક પ્રસંગે ગત તા. 26/4ના રાત્રે આણંદ જવા નીકળ્યા હતા. તા. 27/4ના ત્યાં પહોંચી  ભોગ બનનાર વેપારી પોતાના સસરાના ઘરે હતા. દરમ્યાન મતગણતરીના દિવસે તા. 28/4ના વહેલી સવારે તેમના પાડોશમાં રહેતા મહિલાએ ફરિયાદીના પત્નીને ફોન કરી તમારા ઘરના દરવાજા ખુલ્લા હોવાનું કહ્યું હતું. જેથી ફરિયાદી વેપારીએ પોતાના ભાઈ નીલેશને ફોન કરી ઘરે જઈ આવવા કહ્યું હતું. તેમના ભાઈ ઘરે આવતાં નકૂચા નીચેની કડી ધારદાર હથિયાર વડે કાપેલી હતી તથા ઘરમાં તમામ સરસામાન અસ્તવ્યસ્ત જણાયો હતો. દરમ્યાન વેપારી સવારે નીકળી સાંજે ઘરે આવી ગયા હતા અને ઘરમાં જતાં બધુ વેરવિખેર જણાયું હતું. આ બંધ ઘરમાંથી તસ્કરોએ તિજોરીમાંથી ત્રણ તોલાનું સોનાંનું મંગળસૂત્ર, સોનાંના બુટિયા નંગ-6, સોનાની બે વીંટી તથા વેપાર મૂડીના રોકડ રૂા. 2 લાખ એમ કુલ રૂા. 2,95,000ની મતા ઉસેડીને તસ્કરો ફરાર થઈ ગયા હતા. ધમધમતા રહેણાક વિસ્તારમાં ચોરીનો આ બનાવ બનતાં સ્થાનિક રહેવાસીઓમાં રીતસર ફફડાટ પ્રસર્યો હતો. 

Panchang

dd