ગાંધીધામ, તા. 29 : ભચાઉમાં પગપાળા જતા યુવાનને
એક્ટિવા વડે અકસ્માત સર્જી બાદમાં છ શખ્સે આ બે યુવાનને માર મારી રૂા. 5200ની લૂંટ ચલાવી નાસી ગયા હતા.
આ પ્રકરણમાં પોલીસે ત્રણ શખ્સને ઝડપી પાડયા હતા. ગાંધીધામમાં રહેતો મૂળ જાટાવાડાનો
યુવાન ફરિયાદી ગોવિંદ રૂપા પેથા રબારી તથા રાધાભાઇ રબારી ગત તા. 27-4ના ભચાઉમાં હતા. બંને પગપાળા
જઇ રહ્યા હતા, ત્યારે વીર સાવરકર ચોક-મસ્જિદ
પાસે પહોંચતાં એક્ટિવાચાલકે એક્ટિવા અથડાવી
રાધા રબારીને નીચે પાડી દેતાં આ બાબતે ઝઘડો થયો હતો. બાદમાં રફીક મોહમદ લંઘા,
સલીમ ઇસ્માઇલ કુંભાર, એક કિશોર મુસ્તાક ઉમર કુંભાર,
ગફુર આમદ કુંભાર તથા અજાણ્યા શખ્સે બંને યુવાનને ગાળો આપી માર માર્યો
હતો. મુસ્તાક કુંભારે રાધા રબારીના ખિસ્સામાંથી રોકડ રૂા. 5200ની લૂંટ ચલાવી હતી. બનાવ અંગે
પોલીસે ગુનો નોંધી આ છ પૈકી સલીમ કુંભાર, રફીક લંઘા, ગફુર કુંભારને પકડી પાડયા હતા અને કાયદાના
સંઘર્ષમાં આવેલા કિશોર, મુસ્તાક, એક અજાણ્યા
શખ્સને પકડી પાડવા આગળની તપાસ પોલીસે હાથ ધરી છે.