• રવિવાર, 15 માર્ચ, 2026

નાથીએ નવીન સાથે જ જવાની જીદ કરતાં બન્નેનાં ઢીમ ઢળાયાં

ભુજ, તા. 14 : નખત્રાણા તાલુકાના નાના એવા ખાંભલા ગામના ઓનર કિલિંગના ખોફનાક કિસ્સાની ફિલ્મની લવસ્ટોરી જેવા રોચક ઘટનાક્રમો સામે આવ્યા છે. આ આખા ચર્ચાસ્પદ પ્રકરણ અંગે આજે ડીવાયએસપી શ્રી ક્રિશ્ચિયને પત્રકારોને વિગતો આપી હતી, જેમાં કઇ રીતે નખત્રાણા પોલીસે આ ડબલ મર્ડરનો ભેદ ઉકેલ્યો તેની સિલસિલાવાર માહિતી આપી હતી. નખત્રાણા પોલીસ મથકે બે ગુમનોંધ દાખલ થઇ હતી, જેમાં ખાંભલા તથા નાના અંગિયા ગામથી છોકરો-છોકરી ગુમ થયાની ગુમનોંધ આવતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચનાનાં માર્ગદર્શનનાં પગલે પી.આઇ. જે.ડી. સરવૈયાએ એક ખાસ ટીમની રચના કરી છાનબીન કરી હતી. - નાથીનો પિતા ભાંગી પડયો ને... : ગુમ થનાર નાથી ઉર્ફે સોનુના પિતા વંકા ઉર્ફે રાજાભાઇ રબારી તથા તેના ફઇના દીકરા સોમા ઉર્ફે પબા સામતભાઇ રબારી (રહે. સરગુઆરા, તા. અબડાસા)ની પોલીસે ઝીણવટભરી પૂછપરછ કરતાં કંઇ છુપાવતા હોવાની શંકા જતાં પોલીસે વોચ રાખી હતી. બાદમાં બન્નેને પોલીસ મથકે બોલાવી પી.આઇ. શ્રી સરવૈયા, પી.એસ.આઇ. એમ.વી. શામળાએ બનેના વર્તન ઉપર ખાસ નજર રાખી સઘન પૂછપરછ કરતાં નાથીનો પિતા ભાંગી પડયો હતો અને કબૂલાત સાથે સિલસિલાવાર વિગતો આપી હતી. - બે વર્ષથી પ્રેમ સંબંધ : પૂછતાછમાં ભાંગી પડેલા વંકાએ કબૂલ્યું કે, ગત તા. 3-2ના રાત્રે મારી દીકરી નાથી ઘરે પરત ન આવતાં તેની તપાસ કરતાં તે તથા તેની સાથે નવીન જીવાભાઇ રબારી (રહે. નાના અંગિયા) વચ્ચે છેલ્લાં બે વર્ષથી પ્રેમ સંબંધ છે બને કોટડા (જ.) ગામે મળી આવ્યા હતા. ઘરે પરત આવવા માટે સમજાવતાં નાથી માની નહીં. -ને અમે મારી નાખવાનો નિર્ણય લીધો : આ બાદ મારો ભાણેજ સોમા ઉર્ફે પબાભાઇ અને હું બન્નેને કોટડા (જ.)થી ખાંભલા તરફ બાઇકથી લઇ આવ્યા અને પત્ની હિમાબાઇ તથા નાના સગીર દીકરાને રોડ પર બોલાવ્યા હતા. પત્નીએ દીકરી નાથીને સમજાવી ઘરે લઇ જવા પ્રયત્ન કર્યો, પરંતુ માની નહીં અને નવીન સાથે જવાની જીદ કરતાં અમે બધાએ મારી નાખવાનો નિર્ણય કર્યો, પત્નીએ પ્રથમ બન્નેને ધોલ-ધપાટ મારવાનું ચાલુ કરતાં અમારા વચ્ચે ઝપાઝપી થઇ હતી. અમે મારી દીકરી નાથીનું અને ભાણેજ સોમાએ નવીનનું ગળું દબાવીને મૃત્યુ નીપજાવીને બન્નેની લાશને વારા-ફરથી મોટર સાઇકલથી લઇ જઇ ત્યાંથી થોડે દૂર એક કૂવામાં નાખી દીધી હતી. - પોલીસથી બચવા ખોટી ગુમનોંધ, મોબાઇલ તોડી સળગાવ્યા : પોલીસથી બચવા આરોપી વંકાએ પોલીસમાં ખોટી ગુમનોંધ નોંધાવી હતી અને પોલીસ તપાસમાં મદદ કરતો હોવાનો ઢોંગ કર્યો હતો. પુરાવા ન મળે તે માટે નાથી અને નવીનના મોબાઇલ તોડી અને સળગાવી નાખ્યા હતા. આ ચર્ચાસ્પદ પ્રકરણમાં કાયદાના સંઘર્ષમાં આવેલા એક બાળકિશોર સહિત ચારે આરોપીની નખત્રાણા પોલીસે અટક કરી લીધી છે. 

Panchang

dd