• સોમવાર, 16 ફેબ્રુઆરી, 2026

પ. કચ્છના માર્ગો રક્તરંજીત બનતા ત્રણ મોત

ભુજ, તા. 15 : પશ્ચિમ કચ્છના વિવિધ માર્ગો રક્તરંજીત બનતા કિશોર, યુવાન અને વૃદ્ધ એમ ત્રણેને કાળ આંબી ગયો હતો. મુંદરામાં અકસ્માત ઝોન તરીકે ઉભરી આવેલા રાશાપીર સર્કલ પાસે સામેથી આવતી બોલેરોથી બચવા બાઇક સાઇડમાં લેવા જતા બાઇક પરથી ચાલક અને પાછળ બેઠેલો 13 વર્ષીય કિશોર અનસ મુબીના નીચે પટકાતા પાછળથી આવતા ટ્રેઇલર તળે અનસ કચડાઇ જતા તેનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે ચાલક ઘાયલ થયો હતો. બીજી તરફ સ્લીપ થતા કોટાયના 20 વર્ષીય યુવાન દર્શનભાઇ પ્રેમજીભાઇ સંજોટને માથામાં ગંભીર ઇજા થઇ હતી જેથી તેનું મૃત્યુ થયું હંતું. આ ઉપરાંત ગત તા. 13-2ના રાત્રે ભુજોડી જીઇબીમાંથી નોકરી પૂરી કરી માધાપર પરત ઘરે આવતા 63 વર્ષીય વિનુભાઇ છોટાભાઇ સોલંકીની એકટીવા ભુજોડીના બસ સ્ટેશન પાસે અજાણી બલેનો કારે પાછળથી ટક્કર મારતા ગંભીર ઇજાના પગલે તેમને વધુ સારવાર અર્થે અમદાવાદ ખસેડાઇ રહ્યા હતા ત્યારે રસ્તામાં તેમનું મૃત્યુ થયું હતું. મૂળ ઉત્તર પ્રદેશ હાલે નાના કપાયામાં રહી કાર ગેરેજમાં કામ કરતા 22 વર્ષીય સોયબખાન કયુનખાતે આજે મુંદરા પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદ મુજબ ગઇકાલે સાંજે તે ગેરજમાંથી બાઇક નં. જી.જે. 12 સીકયુ 7650 વાળી લઇ ગેરજની વસ્તુ લેવા નીકળ્યો હતો. બાઇક પાછળ તેના મામાઇ ભાઇ અનસ મુબીના (ઉ.વ. 13, રહે નાના કપાયા, મૂળ હરિયાણાને બેસાડયો હતો વસ્તુ લઇ રાશાપીર દરગાહ સામે પહોંચતા સામેથી બોલેરો નજીકથી નીકળતા બાઇક સાઇડમાં લેતા અમે બન્ને બાઇક પરથી પટકાયા હતા. ફરિયાદી સોયબખાન સાઇડમાં પડયો હતો. અને અનસ પાછળથી આવતા ટ્રેઇલર નં. જી.જે. 39-ટી.0880 વાળાએ કચડી નાખતા તેનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત થયું હતું. ટ્રેઇલર ચાલક ટ્રેઇલર મૂકી નાસી છૂટયો હતો. સોયબખાનને મુંઢ ઇજાઓ પહોંચી હતી. દરમ્યાન ગઇકાલે રાત્રે  11-30 વાગ્યાના અરસામાં કોટાયનો દર્શન સંજોટ બાઇક લઇને કુનરિયા અને કોટાય વચ્ચેથી પસાર થઇ રહ્યો હતો ત્યારે તેની બાઇક સ્લીપ થતા તેને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા તેને સારવાર અર્થે પ્રથમ ભુજની આયુષ હોસ્પિટલ  અને બાદમાં જી.કે. જનરલ હોસ્પિટલ લઇ અવાતા આજે સવારે ફરજ પરના તબીબે મૃત ઘોષીત કર્યાની વિગતો દર્શનના કાકા દેવજીભાઇએ હોસ્પિટલની પોલીસ ચોકીમાં જાહેર કરી છે. આ ઉપરાંત મૂળ પેટલાદ બાજુના હાલે માધાપર જુનાવાસ રહેતા 63 વર્ષીય વડીલ વિનુભાઇ છોટાભાઇ સોલંકી ગત તા. 13-2ના એકટીવાનં. જી. જે. 12 એપી 0690વાળીથી ભુજોડી જીઇબીમાં કામથી ગયા બાદ રાત્રે પરત ફરી રહ્યા હતા ત્યારે ભુજોડીના બસ સ્ટેશન પાસે અજાણી બલેનો કારે પાછળથી ટક્કર મારતા માથામાં ગંભીર ઇજા પહોંચી હતી. આથી એક પોલીસ કર્મચારી તેને સારવાર અર્થે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલ લઇ આવ્યા બાદ તેને વધુ સારવાર અર્થે અમદાવાદમાં ખસેડાઇ રહ્યા હતા પરંતુ રસ્તામાં તેમણે દમ તોડી દીધાની વિગતો માધાપર પોલીસ ચોકીમાં મૃતકના પુત્રના મિત્રે જાહેર કરતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધણી છે. 

Panchang

dd