ભુજ, તા. 8 : બે દિવસ પહેલાં અબડાસા તાલુકાના સણોસરા ગામ પાસે આવેલા ભેડિયા
નજીક એસ.ટી. બસ ટ્રક સાથે અથડાયા બાદ રસ્તાની સાઇડમાં એસ.ટી. બસ પલટી ખાઇ જતાં બસમાં
સવાર મુસાફરો ઘવાયા હતા. આમાંના ઘાયલ પૈકી એક મુસાફર 77 વર્ષીય ઇસ્માઇલશા બાવા (રહે.
મોથાળા)ને હોસ્પિટલમાંથી રજા મળી ગયા બાદ ઘરે અવસાન થયું હતું. ઇસ્માઇલશા બાવાનાં મૃત્યુ
અંગે સંબંધિતો પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ તા. 6-11ના આ બસ પલટયાના અકસ્માતમાં અન્ય મુસાફરો સાથે ઘાયલ વૃદ્ધ ઇસ્માઇલશાને
પ્રથમ મંગવાણાની સરકારી હોસ્પિટલમાં સારવાર બાદ ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડાયા
હતા. આ બાદ ત્યાંથી તેમને રજા આપી દેવામાં આવી હતી. આ બાદ ઘરે ઇસ્માઇલશાનું મૃત્યુ
થયાના સમાચાર મળ્યા છે. જો કે, આ અંગે
નલિયા પોલીસનો સંપર્ક કરતાં આવાં મૃત્યુ અંગેની વિગતો ન હોવાનું જણાવ્યું હતું. ગઇકાલે આ બનાવને લઇ ઘાયલ
સંબંધિત ફરિયાદ નોંધાયાનું કહ્યું હતું. બીજી તરફ ગઇકાલે આ અકસ્માત અંગે નલિયા પોલીસ
મથકે એસ.ટી. કન્ડક્ટર નયનાબેન ભરતભાઇ વાસાણીએ નોંધાવેલી ફરિયાદની વિગતો મુજબ સરકારી
એસ.ટી. બસ નં. જીજે-18-ઝેડ-4184વાળાના ચાલક અજિતભાઇ રજાકભાઇ
મન્સુરીએ ગત તા. 6-11ના બપોરે
સણોસરા પાસે તેના કબજાની એસ.ટી. બસ પૂરઝડપે, ગફલતભરી રીતે ચલાવી નલિયાથી ભુજ તરફ જતી ટ્રક નં. જીજે-12-બીએક્સ-5345વાળી સાથે અથડાવી રોંગ સાઇડમાં
રોડની પટરી પરથી બસ પલટાવી નાખી અકસ્માત કરતાં બસમાં સવાર ચારેક મુસાફરને શરીરે છોલછાંભ
જેવી ઇજા પહોંચાડયાની વિગતો જાહેર કરી છે.