ગાંધીધામ, તા. 8 : સમગ્ર રાજ્યમાં અમદાવાદ જેવા
મહાનગરો બાદ ત્રીજી આંખનાં સંરક્ષણના પાઈલટ પ્રોજેક્ટ તરીકે કચ્છમાં પ્રથમ વખત નેત્રમ
પ્રકલ્પ કાર્યરત કરાયો હતો. આ પ્રકલ્પને કારણે ગાંધીધામમાં અનેક ગંભીર ગુનાના ભેદ ઉપરથી
પડદો ઊંચકાયો હતો. વર્ષ 2025માં રાજ્યમાં
ગુનાશોધનની કામગીરીમાં નેત્રમની સારી કામગીરી બદલ પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો. ગાંધીધામ
શહેરના માર્ગો ઉપર અકસ્માત અને ગુનાખોરીના ગ્રાફને નીચો લાવવા વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઈન્ટિગ્રેટેડ ટ્રાફિક
મેનેજમેન્ટ સિસ્ટમ કાર્યરત કરવામાં આવી છે. આ અન્વયે શહેરના માર્ગો ઉપર સીસીટીવી કેમેરા લગાવાયા છે. ક્રાઈમ ડિટેક્શન માટેની શોધ કેટેગરીમાં નેત્રમ પૂર્વ
કચ્છ ગાંધીધામને પ્રથમ એવોર્ડ મળ્યો છે. પોલીસ ભવન ખાતે આયોજિત સમારોહમાં રાજ્યના પોલીસવડા વિકાસ સહાયના હસ્તે પ્રથમ પુરસ્કાર એનાયત કરાયો હતો. નેત્રમ ગાંધીધામે
ત્રીજી વખત આ પુરસ્કાર મેળવી હેટ્રિક કરી છે. વર્ષ દરમ્યાન અલગ અલગ પ્રકારના 402 ગંભીર ગુનાઓને શોધન કરવાની
કામગીરી માટે આ એવોર્ડ એનાયત કરાયો હતો. પૂર્વ
કચ્છ પોલીસવડા કચેરી ખાતે કમાન્ડ એન્ડ કન્ટ્રોલ રૂમ કાર્યરત છે. સીસીટીવી કેમેરાની મદદથી
અપહરણ અને ગુમ થયેલાના 48 કેસ, ચોરીના
સાત, લૂંટનો એક, હિટ એન્ડ રનના 18 કેસ, ભયજનક ડ્રાઈવિંગના 163 કેસ, ટ્રાફિક વાયોલન્સના 123 કેસ, રોડ અકસ્માતના 42 સહિત 402 ગંભીર ગુનાના ભેદ ઉકેલાયા છે. આ કેસો
ઉકેલી કુલ 378 આરોપીની અટક કરવામાં આવી હોવાનું જણાવાયું હતું તેમજ ચોરી, લૂંટના કેસમાં 45.85 લાખ જેટલી રકમ રિકવર કરવામાં
આવી છે. રેન્જ આઈજી ચિરાગ કોરડિયા,પોલીસ અધીક્ષક સાગર બાગમાર, નાયબ પોલીસ અધીક્ષક એ.વી. રાજગોરનાં માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઈન્સ્પેક્ટર
જે. જી. રાજની દેખરેખ હેઠળ કમાન્ડ કન્ટ્રોલ સેન્ટર કાર્યરત છે.