• શુક્રવાર, 07 નવેમ્બર, 2025

ધ્રબ પાસે બે ટ્રેઈલરચાલકની અકસ્માત બાબતનો ઝઘડો ખૂનમાં પલટયો

ભુજ, તા. 5 : બે ટ્રેઈલર વચ્ચે થયેલા અકસ્માતના મુદ્દે આજે મુંદરાના ધ્રબ પાસે બંદર બાજુ બન્ને ચાલક વચ્ચે માથાકૂટ અત્યંત ઉગ્ર બનતાં ટ્રેઈલરચાલકે ગાડી રિવર્સમાં લઈ બે ટ્રેઈલર વચ્ચે બિહારના 36 વર્ષીય તેરાશ રામઅયોધ્યા સહાનીને કચડીને હત્યા નીપજાવ્યાનો અરેરાટીભર્યો બનાવ સામે આવ્યો છે. આરોપીને પોલીસે રાઉન્ડઅપ કર્યાની વિગતો મળી છે. આ અરેરાટીભરી હત્યા અંગે મુંદરા પોલીસ મથકે નોંધાયેલી  ફરિયાદ તથા સંબંધિત સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ મૂળ બિહાર, છપરા જિલ્લાનો ટ્રેઈલરચાલક તેરાશ સહાની અને ત્યાંના જ ટ્રેઈલરચાલક મોહિત કુમારના બન્ને વાહનો વચ્ચે આજે બપોરે ધ્રબ સીમમાં સાઉથ પોર્ટ બાજુ અકસ્માત થયો હતો. આ બાદ આરોપીએ મૃતકના ટ્રેઈલરને ઓવરટેક કરી ટ્રેઈલર આડું મૂકી આ અકસ્માત મુદ્દે બન્ને વચ્ચે ગાળા-ગાળી સાથે માથાકૂટ થઈ હતી. આ બાદ તેરાશે મોહિતકુમારની માફી પણ માગી હતી, પરંતુ ઉશ્કેરાયેલા મોહિતકુમારે તેના કબજાના ટ્રેઈલર નં. જી.જે.-12-એટી-9846 રિવર્સમાં લઈને તેરાશને કચડવા જતાં તેરાશે હાથ ઊંચા કરી `ના ભટકાવ ના ભટકાવ'ની બૂમો પાડતાં, પરંતુ તેરાશને બે ટ્રેઈલર વચ્ચે કચડી નાખી સાથળ બાજુના નાજૂક અંગો પર ગંભીર ઈજાઓ પહોંચાડી તેની હત્યા નીપજાવી નાસી છૂટયો હતો. આ અંગેની ફરિયાદ મૃતકના ભત્રીજા નવીનકુમાર નંદનલાલ સહાની (રહે. હાલે શક્તિનગર, સાહિલ બિલ્ડિંગ, નાના કપાયા, મૂળ પરસાદી પરસોના જિ. છપરા, બિહાર)એ નોંધાવી હતી. પોલીસે હત્યાની કલમો તળે ગુનો દાખલ કર્યો હતો. આ લખાય છે ત્યારે પોલીસ પાસેથી મળેલી વિગતો મુજબ આરોપીને રાઉન્ડઅપ કરી લેવાય છે અને પૂછતાછ ચાલુ હોવાની વિગતો મળી છે. 

Panchang

dd