ગાંધીધામ, તા. 2 : રાજકોટથી મગફળી ભરીને મુંદરા પોર્ટ થકી મલેશિયા મોકલવાની હતી, પરંતુ ટ્રક-ટ્રેઇલરના ચાલકે રાજકોટથી મગફળી
ભરી ગાંધીધામમાં રૂા. 5,69,107ની
290 બોરી બારોબર સગેવગે કરી નાખતાં
તેના વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી. ગાંધીધામના ઝંડાચોક નજીક નીલકંઠ રોડલાઇન્સ નામની પેઢી ચલાવતા
ખેતા શામજી ડાંગર (આહીર)એ બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. તેમને અમદાવાદની જે.પી. ક્લિયરિંગ હાઉસ તરફથી વરધી મળી હતી, જેમાં મુંદરા એમ.ટી. યાર્ડમાંથી ખાલી કન્ટેઇનર
લઇ રાજકોટની એમ.બી.એમ. ફેક્ટરીમાંથી મગફળી
લોડ કરીને પરત મુંદરા પોર્ટ ખાતે પહોંચાડવા જણાવાયું હતું, જેથી
ફરિયાદીએ પોતાનાં ચાર વાહન મુંદરા મોકલાવ્યાં હતાં. જેમાં ખાલી કન્ટેઇનર ભરી રાજકોટ
ગયાં હતાં. આ ચારેયમાં 25 કિલોની 1040 એમ કુલ 4160 બોરી મગફળી ભરવામાં આવી હતી.
આ માલ મુંદરા પહોંચાડવાનો હતો, પરંતુ
ટ્રક-ટ્રેઇલર નંબર જીજે-12-બીવાય-1471ના ચાલક ત્રિલોકસિંહ ઉર્ફે સોનુ પૂનમસિંહને આ ગાડી ગાંધીધામ
જીઆઇડીસીમાં અત્રી ટ્રોલી નજીક લઇ જઇ પોતાના
વાહનમાંથી રૂા. 5,69,107ની
290 બોરી મગફળી કઢાવી લઇ બારોબાર
સગેવગે કરી નાખી હતી અને બાકીની 750 બોરી મુંદરા
ખાતે પહોંચાડી હતી. આ માલ મલેશિયા ખાતે પહોંચતાં મગફળી ઓછી આવી હોવાનું બહાર આવ્યું
હતું. મલેશિયાની કંપનીએ ફરિયાદ કરતાં બનાવ પ્રકાશમાં આવ્યો હતો. આ ચાલક સામે પોલીસે
ગુનો દર્જ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.