• ગુરુવાર, 03 જુલાઈ, 2025

પૂર્વ કચ્છ સાયબર ક્રાઈમ પોલીસે અરજદારોને 14.96 લાખ પરત અપાવ્યા

ગાંધીધામ, તા. 2 : પૂર્વ કચ્છ સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા ગત મહિના દરમ્યાન અરજદારોના રૂા. 14,96,777 પરત અપાવ્યા હતા. જુદા-જુદા સોશિયલ મીડિયાની જાહેરાતો, ટાસ્ક પૂરા કરવા કે અન્ય કોઈ ઓનલાઈન છેતરપિંડીનો ભોગ બને, ત્યારે સાયબર હેલ્પ લાઈન 1930માં ફરિયાદ કરાય છે. પોલીસની ઈન્સિડન્ટ રિસ્પોન્સ યુનિટ દ્વારા જે-તે બેંકમાં જાણ કરી આ છેતરપિંડીમાં ગયેલાં નાણાં ફ્રીઝ કરવા કહેવાય છે. પૂર્વ કચ્છમાં ગત મહિને પણ અનેક લોકોના આવી રીતે પૈસા બારોબાર કાઢી લેવામાં આવ્યા હતા. પૂર્વ કચ્છ સાયબર ક્રાઈમ પોલીસે આ અંગે કાર્યવાહી કરીને અરજદારોના રૂા. 14,96,777 તેમના બેંકખાતામાં પરત અપાવ્યા હતા. - અંજારમાં જાહેરમાં જુગાર રમતા આઠ ખેલીની ધરપકડ  : ગાંધીધામ, તા. 2 : અંજારના વિજયનગર વિસ્તારમાં જાહેરમાં ધાણીપાસા વડે જુગાર રમતા આઠ ખેલીને પોલીસે ઝડપી લઈ રોકડ રૂા. 31,500 જપ્ત કર્યા હતા. અંજારના વિજયનગર કોળીવાસમાં મોમાઈ માનાં મંદિર પાછળ ખુલ્લી જગ્યામાં ગઈકાલે રાત્રે મંદિરની લાઈટના અજવાળે અમૂક શખ્સો જુગાર રમી રહ્યા હતા. આ શખ્સો ધાણીપાસા વડે નસીબ અજમાવી રહ્યા હતા, ત્યારે અચાનક પોલીસ ત્રાટકી હતી અને અહીંથી અંજારના જુદા-જુદા વિસ્તારોમાં રહેતા ભરત જેરામ કોડરાણી, અલી અબ્બાસ કાસમશા શેખ, ઈકબાલ ઉર્ફે અપાલ ઓસમાણ શેખ, સમીર અનવર ખેબર, દાઉદ જુસબ શેખ, પારસ મણિલાલ કોંઢિયા, સલીમ અલારખ્ખા કકલ અને કિડાણાના સાકરા નારણ દેસાઈ નામના શખ્સોની ધરપકડ કરી હતી. પકડાયેલા આ શખ્સો પાસેથી રોકડ રૂા. 31,500 તથા છ મોબાઈલ એમ કુલ રૂા. 51,000નો મુદ્દામાલ જપ્ત કરાયો હતો.  - મેઘપર (કું.)માં મારામારીના પ્રકરણે મહિલા આરોપીના આગોતરા જામીન નામંજૂર : ગાંધીધામ, તા. 2 : અંજારના મેઘપર-કુંભારડી ખાતે અનુસૂચિત વર્ગની વ્યક્તિને માર મારી જાતિ અપમાનિતના પ્રકરણમાં આરોપી મહિલાના આગોતરા નામંજૂર કરાયા હતા. મેઘપર-કુંભારડીના રવેચી નગરમાં રહેતા માનજી લખમણ વણોલે અંજાર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. તેમના ઘર આગળથી ટેન્કર બાજુએ લેવાનું કહેતાં આરોપીઓએ તેમને માર મારી જાતિ અપમાનિત કર્યા હતા. પોલીસ મથકે ગુનો દર્જ થયા બાદ કિંજલબેન રમેશ પ્રજાપતિએ આગોતરા જામીન પર મુક્ત થવા અંજારની વિશેષ કોર્ટમાં અરજી કરી હતી, જ્યાં બંને પક્ષની દલીલો સાંભળી ન્યાયાધીશે આગોતરા જામીન અરજી રદ કરી હતી. ફરિયાદી વતી ધારાશાત્રી અજમલ જી. સોલંકી હાજર રહ્યા હતા. - અબડાસામાં એક ગામમાં પરિણીતાની છેડતી  : ભુજ, તા. 2 : અબડાસા તાલુકાના એક ગામમાં પરિણીતાના બળજબરીથી નંબર માગી હાથ પકડી છેડતી કરાયાની ફરિયાદ નોંધાઈ છે. આ અંગે જખૌ પોલીસ મથકે બે સંતાનની માતા પરિણીતાએ નોંધાવેલી ફરિયાદ મુજબ આરોપી ભરતસિંહ બટુકસિંહ જાડેજા (રહે. વાંકુ)એ ગેરકાયદે રીતે વગર પરવાનગીએ દીવાલ કૂદી આવીને ફરિયાદીના મોબાઈલ નંબરની માગણી કરી હતી. ફરિયાદીએ નંબર આપવાની ના પાડતાં તેનો હાથ પકડી લેતાં ફરિયાદીએ રાડારાડી કરી હતી. ફરિયાદીના સાસુ બહારથી આવતા જોઈ આરોપી ભાગી ગયો હતો. પોલીસે છેડતી સહિતની કલમો તળે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.  

Panchang

dd