ભુજ, તા. 28 : શહેરની ભાગોળે પાલારા નજીક
બે ટ્રેઈલર અને બાઈકના ત્રેવડા અકસ્માતમાં રુદ્રાણી પાસેના પુલ પાટિયા નજીક રહેતો શ્રમિક
સુમરા પરિવારનો માળો પીંખાયો છે. આ ગોઝારા અકસ્માતમાં બાઈકસવાર ઈમરાન જુણસ સુમરા (25) અને તેની પત્ની ઝરીના (22) તથા પાંચ વર્ષના માસૂમ પુત્ર
ઈમ્તિયાઝના કમકમાટીભર્યાં મોત થતાં વાતાવરણ ગમગીન બન્યું હતું. ભુજ - ખાવડા માર્ગે
ભારે વાહનોની અવરજવર વધતાં આ માર્ગ પર પ્રાણઘાતક અકસ્માતના બનાવો વધતાં આ માર્ગ ગોઝારો
બન્યો છે. આ વચ્ચે આજે ફરી સાંજે સાત વાગ્યા આસપાસ પાલારા પાસેના આ ગોઝારા અકસ્માત
અંગે હોસ્પિટલમાં અને પોલીસ પાસેથી મળેલી જાણકારી મુજબ મજૂરી કરી પરિવારનું ગુજરાન
ચલાવતો યુવાન ઈમરાન દવા લેવા માટે પત્ની તથા પુત્ર સાથે ભુજ આવ્યો હતો અને તેની બાઈક
નં. જી.જે.-12-ઈકે-3838થી પરત ઘરે જઈ રહ્યો હતો ત્યારે
પાલારાના બસ સ્ટેશન પાસે રોંગ સાઈડમાંથી પૂરપાટ આવતા ટ્રેઈલર નં. જી.જે.-39-ટી-1566વાળાએ ટક્કર મારતાં બાઈક પર
સવાર પરિવાર ફંગોળાઈ જતાં ત્રણેના કમકમાટીભર્યાં મોત નીપજ્યાં હતાં. બીજી તરફ સંબંધિતો
પાસેથી મળેલી જાણકારી મુજબ ટ્રેઈલરને ઓવરટેક કરવાની લ્હાયમાં બાઈકને ઝપટમાં લીધી હતી
અને અન્ય ટ્રેઈલરને પણ ટક્કર થતાં આ ત્રણ વાહનના અકસ્માતમાં શ્રમિક પરિવાર કાળનો કોળિયો
બન્યો હતો. અત્યંત ગંભીર હાલતમાં આ શ્રમિક સુમરા પરિવારના સભ્યોને વારાફરતી ભુજની જી.
કે. જનરલ હોસ્પિટલમાં લવાયા હતા, પરંતુ
સારવાર મળે તે પહેલાં જ ત્રણે મોતના મુખમાં ધકેલાઈ ચૂક્યા હતા. આ ગોઝારા અકસ્માતના
પગલે સુમરા સમાજ પરિવારની મદદ અર્થે હોસ્પિટલ દોડી આવ્યો હતો, જેમાં નીમરા મિશરી સુમરા, હનીફ રમજાન સુમરા, હૈદર મલાર સુમરા તેમજ રજાક ચાકી સહિતના અગ્રણીઓ ભોગગ્રસ્ત પરિજનોની વહારે આવ્યા
હતા. મૃત્યુના સમાચાર સાંભળતાં પરિજનોના આક્રંદથી હોસ્પિટલનો માહોલ ગમગીન બન્યો હતો.
બી-ડિવિઝન પોલીસે નોંધાયેલી વિગતોના આધારે ટ્રેઈલરચાલક સામે ગુનો દાખલ કરી તપાસ હાથ
ધરી છે.