• ગુરુવાર, 19 સપ્ટેમ્બર, 2024

ગાંધીધામ : ખોટા દસ્તાવેજ થકી લોન મેળવી 30 લાખ ઉપાડી લીધા

ગાંધીધામ, તા. 4 : શહેરમાં આવેલી વર્ષો જૂની ગેસ એજન્સીના બે સંચાલકે ભાગીદારની ખોટી ડિજિટલ સહી કરી રૂા. 2,29,00,000ની લોન મંજૂર કરાવી તેમાંથી રૂા. 30 લાખ ઉપાડી લેતાં બનાવ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. અમદાવાદમાં રહેતા ફરિયાદી અવિનાશ હરગોવિંદ આચાર્યના પિતાએ 1985માં સેક્ટર - 1એ ગાંધીધામમાં નવનીત ગેસ એજન્સી એચ.પી. ગેસ સર્વિસ નામની પેઢી પોતાના મોટા દીકરા નવનીત આચાર્યના નામે લીધી હતી. બાદમાં આ પરિવાર સંયુક્ત પરિવારમાંથી વિખૂટો પડતાં વર્ષ 2004માં આ એજન્સીમાં ફરિયાદીની 42 ટકા તથા નવનીતભાઈની 55 ટકા ભાગીદારી હતી. જે અંગે પાર્ટનરશિપ ડીડ પણ કરવામાં આવી હતી. બાદમાં તા. 19/2/2019ના નવનીતભાઈનું અવસાન થતાં વારસદારની રૂએ તેમના પત્ની કાશ્મીરાબેન આચાર્ય ભાગીદારી પેઢીમાં ભાગીદાર તરીકે જોડાયા હતા. ફરિયાદી અમદાવાદ રહેતા હોવાથી આ એજન્સી કાશ્મીરાબેન તથા તેમનો દીકરો રશેસ આચાર્ય સંભાળતો હતો. ફરિયાદી દર મહિને રૂબરૂ અથવા ફોન ઉપર હિસાબ અંગે પૂછતા ત્યારે હિસાબ કરશું તેવા વાયદા કરતા હતા. આ બંને ફરિયાદીના ભાભી અને ભત્રીજો થતા હોવાથી સંબંધ ખરાબ ન થાય તે માટે ફરિયાદી જતું કરતા હતા. બાદમાં તા. 20/7/2024ના તેમને એચ.ડી.એફ.સી. બેંકની નેટ બેંકિંગ કિટ તેમના સરનામા ઉપર મળી હતી. તેમણે તપાસ કરતા નવનીત ગેસ એજન્સી નામનું ખાતું ખૂલેલું હોવાનું બહાર આવ્યું હતું. તેમણે વધુ તપાસ કરતા ગાંધીધામની આ બેંકમાં ભાગીદારી પેઢીના નામનું ખાતું ખોલાવી તેમાં વર્કિંગ કેપિટલ લીમિટ રૂા. 2,29,00,000ની લોન મેળવી તેમાંથી રૂા. 30 લાખ ઉપાડી લેવામાં આવ્યા છે. કાશ્મીરાબેન અને રશેસ આચાર્યે ફરિયાદીની ખોટી સહી કરી લોન મેળવી તેમની સાથે તથા બેંક સાથે બિલ વગેરેની ખોટી બનાવટ કરી ખોટા દસ્તાવેજ બનાવી તેનો ખરા તરીકે ઉપયોગ કરી વિશ્વાસઘાત, છેતરપિંડી કરી હતી. બનાવ અંગે પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang