• રવિવાર, 08 માર્ચ, 2026

અંજાર પોલીસે વાહન ચોરીના ભેદ ઉકેલ્યા : શખ્સની અટક

ગાંધીધામ, તા. 7 : અંજાર-ગાંધીધામમાં દ્વિચક્રીય વાહનોની ચોરી કરનારા ગાંધીધામના શખ્સને અંજાર પોલીસે પકડી પાડયો હતો. આ શખ્સ પાસેથી ચોરીનાં સાત ચોરાઉ વાહનો જપ્ત કરવામાં આવ્યાં હતાં. ગાંધીધામ-અંજારમાં છેલ્લા કેટલાક સમયથી દ્વિચક્રીય વાહનોની ઉઠાંતરીના બનાવો વધ્યા છે, જેના કારણે પોલીસમાં દોડધામ થઈ પડી છે. દરમ્યાન અંજાર જી.આઈ.ડી.સી. નવાનગર શ્રીગણેશ વર્કશોપ પાસે એક શખ્સ પાસે અંજાર પોલીસે જઈને તેની પૂછપરછ હાથ ધરી હતી. તેના કબ્જાનાં વાહનમાં નંબર પ્લેટ નહોતી તેણે પોલીસને સંતોષકારક જવાબ ન આપતાં પોલીસે વાહનના આધાર પુરાવા માગતા આ શખ્સ જયેશ રમેશ કોળી પુરાવા આપી શક્યો ન હતો. તેને વધુ પૂછપરછ કરાતા તેને જ્યુપિટર દોઢેક મહિના પહેલાં ગાંધીધામ રેલવે મથક સામે આવેલા એક પુલિયા નજીક એક હોટેલ પાસેથી ચોરી કરી હોવાની કબૂલાત આપી હતી. તેની વધુ પૂછપરછ કરાતાં તેને અન્ય વાહનો વરસામેડી રોડ હાડકામિલ પાછળ બાવળની ઝાડીમાં સંતાડયાં હોવાનું જણાવ્યું હતું. આ શખ્સ પાસેથી બાઈક નંબર જીજે-39-જે-3823, જીજે-13-એપી-8259 તથા અન્ય પાંચ વાહન નંબર પ્લેટ વગરનાં એમ સાત વાહન જપ્ત કરવામાં આવ્યાં હતાં. પોલીસે અંજારની બે અને ગાંધીધામ એ ડિવિઝનની એક એમ ચાર ચોરીના ભેદ ઉકેલી લીધા હતા. કાર્યવાહીમાં અંજાર પી.આઈ. એ.આર. ગોહિલ સાથે ટીમ જોડાઈ હતી. 

Panchang

dd