• રવિવાર, 08 માર્ચ, 2026

મેન્સ ડેના હાર મળી'તી, પણ વૂમન્સ ડેના જીતજો...

મુંજાલ સોની -  ફરી વર્લ્ડકપની ફાઈનલ અને એ જ અમદાવાદનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ... ફરી ફેવરિટ તરીકે ઊતરશે ટીમ ઈન્ડિયા... પણ ફરક એટલો છે કે, 2023ના વિશ્વકપમાં ભારતીય ટીમ તમામ મેચ જીતીને ખરેખર ચેમ્પિયનની માફક ફાઈલનમાં પહોંચી હતી. આ વખતે સૂર્યસેનાની અમુક કમજોરીઓ ઉજાગર થઈ ગઈ છે એટલે ભારતીય ટીમ આત્મવિશ્વાસના અતિરેકમાં તો રાચતી નહીં જ હોય અને કદાચ એટલે જ આ વખતે ભારતીય ટીમ અમદાવાદમાં વટભેર ત્રિરંગો લહેરાવી દે તેવી શક્યતા-આશા વધુ છે. રસપ્રદ વાત એ છે કે, 2023 વર્લ્ડકપનો ફાઈનલ જંગ અમદાવાદમાં 19મી નવેમ્બરે રમાયો હતો અને એ દિવસ વિશ્વભરમાં ઈન્ટરનેશનલ મેન્સ ડે તરીકે મનાવાય છે. મેન્સ ડેના એ દિવસે તો ભારતીય પુરુષ ટીમ જીતી નહીં, પણ હવે મેન્સ ટીમ ગયા વર્ષે ભારતની મહિલા ટીમે મેળવેલા યાદગાર વિશ્વવિજયમાંથી પ્રેરણા લઈને આઠમી માર્ચે મહિલા દિવસે રમાનારી ફાઈલનમાં ન્યૂઝીલેન્ડ સામે  જીત મેળવે તો ભયો ભયો. સાંજે સાત વાગ્યાથી મેચ શરૂ થશે. આમ તો ભારતની ટીમ અત્યાર સુધી એક જ મેચમાં હારી છે, પણ ટીમની જે રીતની પ્રતિષ્ઠા, ફોર્મ અને ઘરઆંગણાનું વાતાવરણ છે તેને જોતાં આ દેખાવ બહુ જોરદાર લેખાતો નથી. હવે ફાઈનલમાં ટીમ ઈન્ડિયા લડાયક કિવીઝને હરાવવા માટે કેવી રણનીતિ અપનાવે તે મુદ્દો બહુ ચર્ચામાં છે. ભારત અમુક બહાદુર અને વ્યૂહાત્મક નિર્ણયો લઈ શકે. કુલદીપનો સમાવેશ: આ ચાઈનામેન સ્પિનર મેચ વિજેતા છે અને ફાઈનલમાં તેનો ટીમમાં સમાવેશ કરવો જોઈએ. બેશક કોનાં સ્થાને કુલદીપને રાખવો એ પ્રશ્ન જટિલ છે, પણ જરૂર પડયે આત્મવિશ્વાસની કમીની સમસ્યાથી પીડાતા વરુણ ચક્રવર્તીને કે અર્શદીપસિંહને પણ બહાર બેસાડી શકાય. અભિષેકને ત્રીજા ક્રમે મોકલવો: અભિષેક ફોર્મમાં નથી, ત્યારે ભારત ઓપનિંગમાં ઈન્ફોર્મ સંજુ સેમસન અને ઈશાન કિશનને મોકલે અને અભિષેકને ત્રીજા ક્રમે મોકલે એવો દાવ ખેલી શકાય. મોહમ્મદ સિરાજનો સમાવેશ: આમ તો અર્શદીપ ટી-20નો ચેમ્પિયન બોલર છે, પણ હાલ રંગમાં નથી, ત્યારે ભારત આક્રમક સિરાજના સમાવેશનો અણધાર્યો નિર્ણય લઈ શકે. મિક્સ્ડ પીચ: એવા અહેવાલ છે કે, ભારતે મોદી સ્ટેડિયમની પીચને મિક્સ્ડ બનાવી છે, જેમાં કાળી માટીની સાથે લાલ માટીનો પણ યોગ્ય ઉમેરો કરાવ્યો છે અને આ પીચ જ્યાં સેમિફાઈનલ રમાઈ એવી મુંબઈની પીચ જેવી જ રહે તેવી શક્યતા છે. જો મિડલ ઓવરમાં તિલક વર્મા સંભાળપૂર્વક રમવાનો હોય, તો સૂર્યકુમારે યાદવ પોતાના અસલ મિજાજમાં રમવું જોઈએ. તે હાલમાં કપ્તાનની જવાબદારી મુજબ સંભાળીને રમે છે, પણ એ સ્ટાઈલ તેને બહુ માફક આવતી નથી. એલન અને સિફર્ટને જલદી આઉટ કરવા: આ બંને ખેલાડી કિવીઝ માટે ચાવીરૂપ રહ્યા છે, ત્યારે ભારતીય બોલરોએ તેમની નબળાઈઓ પારખીને તેમને ઝડપથી આઉટ કરવા પડશે.

Panchang

dd