કોલકાતા, તા.7 : પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી
પહેલાં, મુખ્યમંત્રી મમતા બેનરજીએ શનિવારે માધ્યમિક
પરીક્ષા (ધોરણ 10) પાસ બેરોજગાર યુવાનો માટે માસિક રૂ. 1,500ના ભથ્થાની જાહેરાત કરી હતી, અને કહ્યું હતું કે આ સહાયનો હેતુ તેમને આત્મનિર્ભર
ભવિષ્ય તરફ આગળ વધવામાં મદદ કરવાનો છે. `સર'ના વિરોધમાં
ધરણા પર બેઠેલા મમતાએ યુવાઓ માટે ભથ્થાંની જાહેરાત કરતાં કહ્યું કે આ ભથ્થું 21 થી 40 વર્ષની વયના એવા યુવાનો અને
મહિલાઓને આપવામાં આવશે જેઓ નોકરી શોધનારા તરીકે નોંધાયેલા છે અને શિષ્યવૃત્તિ સિવાય
અન્ય સરકારી કલ્યાણ યોજનાઓના લાભાર્થી નથી. મમતા ગઈ રાતથી ધરણાસ્થળે આવી ગયાં હતાં.
સીએમે પશ્ચિમ બંગાળમાં સ્પેશિયલ ઈન્ટેસીવ રિવિઝન (સર)માં મતદાર યાદીમાંથી નામ હટાવવાના
વિરોધમાં ગઈકાલે બપોરે બે વાગ્યાથી કોલકાતાના એસ્પ્લેનેડ મેટ્રો ચેનલ પર ધરણા શરૂ કર્યાં
હતાં. મમતા બેનરજીએ સમર્થકોને સંબોધિત કરતાં આરોપ લગાવ્યો હતો કે સરમાં મતદાર યાદીમાંથી
મતદારોનાં નામ હટાવવાનું કાર્ય બંગાળને વિભાજિત કરવાના હેતુથી કરવામાં આવ્યું છે. તેમણે
કહ્યું કે ભાજપ બંગાળના ભાગલા પાડીને મત છીનવવાના પ્રયાસમાં છે. ભાજપ નેતા અન્ય રાજ્યોમાં
બંગાળી લોકોને પરેશાન કરી રહ્યા છે અને બંગાળીઓને તેમના મત આપવાના અધિકારથી વંચિત રાખવાનું
ષડયંત્ર રચી રહ્યા છે. ધરણા સ્થળે મમતાની સાથે તૃણમૂલ કોંગ્રેસના વરિષ્ઠ નેતા, ધારાસભ્યો, પક્ષના કાર્યકરો
મોજૂદ છે.