ભુજ, તા. 7 : ફાગણ માસનો મધ્યાહ્ન કાળ ચાલી
રહ્યો છે, ત્યારે જ જિલ્લામાં ચૈત્ર જેવો આકરો તાપ વરસવાનું
શરૂ થઈ ગયું છે. જિલ્લા મથક ભુજમાં બે ડિગ્રીના વધરા સાથે મહત્તમ પારો 39 ડિગ્રીએ પહોંચતાં સતત બીજા
દિવસે ભુજ રાજ્યનું મોખરાનું ગરમ મથક બન્યું હતું. હવામાન વિભાગે મંગળવાર સુધી ગરમીનો
પ્રભાવ યથાવત્ રહેવા સાથે લૂ ઓકતો ગરમ પવન ફૂંકાય તેવી આગાહી કરી છે. તાપના વધતા પ્રભાવ
વચ્ચે સવારે ભેજનું પ્રમાણ 90 ટકા જેટલું
ઊંચું નોંધાતાં વ્યાપક પ્રમાણમાં ઝાકળવર્ષા વરસી હતી, તો અનેક વિસ્તારમાં ધુમ્મસની ગાઢ ચાદર છવાતાં
આહલાદક નજારો સર્જાયો હતો. દિવસે પ્રખર તાપ તો સવારના સમયે ઝાકળિયો પવન ફૂંકાતાં વાતાવરણમાં
શીતળતા અનુભવાઈ હતી. ભુજમાં મહત્તમ પારો 40 ડિગ્રીની નજીક પહોંચતાં વર્તમાન ઉનાળાની સિઝનમાં સૌથી ગરમ દિવસ
શહેરીજનોએ અનુભવ્યો હતો. મધ્યાહ્ન સમયે લોકોને ઘરથી બહાર નીકળવું અઘરું થઈ પડે તેવી
આકરી ગરમીનો અનુભવ થયો હતો. જિલ્લાનાં અન્ય મથકોની વાત કરી એ તો અંજાર-ગાંધીધામમાં
35.8, કંડલા પોર્ટમાં 34.5 અને નલિયામાં 32.4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
હવામાન વિભાગે આગામી ચાર દિવસ સુધી મહત્તમ પારો હજુ બેથી ત્રણ ડિગ્રી વધે તેવી સંભાવના
દેખાડી છે, તો વાતાવરણમાં જોવા મળતા
ભેજનાં કારણે હજુ બે-એક દિવસ સવારના ભાગે ઝાકળિયો માહોલ છવાયેલો રહે તેવી શક્યતા પણ
વ્યક્ત કરવામાં આવી છે.