નવીદિલ્હી, તા.7 : ઈરાન અને અમેરિકા-ઈઝરાયલનાં
ભીષણ યુદ્ધ વચ્ચે ઓઇલના સમુદ્ર માર્ગ સ્ટ્રેટ ઓફ હોર્મુઝને ઈરાને બંધ કરી નાખતા અખાતના
દેશોમાંથી આખી દુનિયામાં ઓઇલ અને ગેસના પુરવઠાની કટોકટી સર્જાઈ ગઈ છે. યુદ્ધની જ્વાળાઓ
આમઆદમીનાં રસોડાં સુધી પહોંચી ગઈ છે. ઘરેલું ગેસનાં 14.2 કિલોના સિલિન્ડરના ભાવમાં રૂપિયા
60 અને 19 કિલોનાં વાણિજ્યિક એલપીજી બાટલાના
ભાવમાં 11પ રૂપિયાનો વધારો ઝીંકાયો છે. રાંધણગેસના
ભાવમાં આ વધારો આજે તાત્કાલિક અસરથી લાગુ થઈ ગયો છે. દેશની રાજધાની દિલ્હીમાં રાંધણગેસનો
ભાવ 863 રૂપિયા હતો. જે હવે વધીને 913 રૂપિયા થયો છે જ્યારે કોમર્શિયલ
સિલિન્ડરનો ભાવ વધીને 1883 રૂપિયા થયો
છે જ્યારે મુંબઈમાં તેનો ભાવ 1835 રૂપિયા રહેશે.
ગયા વર્ષે ક્રુડ તેલના ભાવ ઘટીને 57 ડોલર થઈ ગયા હતા ત્યારે જનતાને કોઈ રાહત અપાઈ નહોતી પણ હવે ક્રુડના
ભાવ વધતાં આમ આદમી નિશાન બન્યો છે. ઈરાન ઉપર અમેરિકા અને ઈઝરાયલે આક્રમણ શરૂ કર્યું
ત્યારથી જ દેશમાં રાંધણગેસ અને પેટ્રોલ-ડીઝલના ભાવમાં ભડકો થવાની આશંકા વ્યક્ત થઈ રહી
હતી. જો કે સરકાર ઈંધણનો પર્યાપ્ત અનામત પુરવઠો હોવાનું કહે છે પણ વિશ્વમાં સર્જાયેલી
ઊર્જાની આ કટોકટીની આગ ભારતને દઝાડયા વિના રહી નથી. સરકારી આંકડા અનુસાર ગત નાણાકીય
વર્ષમાં ભારતમાં રાંધણગેસની ખપત આશરે 3.13 કરોડ ટન જેટલી રહી હતી. જેમાંથી માત્ર 1.28 ટન એલપીજીનું ઉત્પાદન જ ભારતમાં
થયું હતું જ્યારે બાકીનો ગેસ ખાડી દેશો સહિતનાં અન્ય સ્રોતોમાંથી આયાત કરવામાં આવ્યો
હતો. એલપીજી માટે ભારત મુખ્યત્વે સાઉદી અરબ સહિતના અન્ય દેશો ઉપર નિર્ભર છે. યુદ્ધની
સ્થિતિમાં હોર્મુઝ સ્ટ્રેટ ઉપર સ્થિતિ ભયાનક બનેલી છે. ઈરાને રશિયા, ચીન, ભારત સહિતનાં ગણ્યાંગાંઠયા
દેશો સિવાયનાં જહાજોને ત્યાંથી માર્ગ આપવાનો ઈન્કાર કરીને હુમલા કરવાની ધમકીઓ આપેલી
છે. બીજીબાજુ ખાડી દેશોમાં રિફાઈનરીઓનાં કામકાજ ઈરાનનાં હુમલાનાં કારણે ઠપ થયા છે.
જેને પગલે ભારતમાં ગેસની આપૂર્તિ ખોરવાઈ રહી છે. આ સમસ્યાને પહોંચી વળવા માટે ભારતનાં
પેટ્રોલિયમ મંત્રાલયે પ્રોપેન અને બ્યુટેન ગેસનો ઉપયોગ ફક્ત રાંધણગેસનાં ઉત્પાદનમાં
વાપરવાનો આદેશ પણ આપેલો.