દારૂની વ્યાપક બદી હોવાની વારંવાર ફરિયાદ ઉઠે છે એવા ઔદ્યોગિક
ક્ષેત્ર બની ગયેલા મુન્દ્રા વિસ્તારમાં શનિવારે પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા બીયર
અને વિદેશી બનાવટની બોટલોના શરાબના વિશાળ જથ્થાનો નાશ કરી મેગા કાર્યવાહી કરી હતી.
જુના બંદર રોડ રેલવે ફાટક નજીકના સીમાડે મુન્દ્રા પોલીસ મથક હસ્તકના સાત ગુના અને મુન્દ્રા
મરીન પોલીસ મથકના એક ગુના મળીને કુલ આઠ ગુનામાં પકડાયેલી બિયર અને બોટલનો કુલ 1,20, 752 નંગ શરાબનો રૂ. 6, 56,33,190ની કિંમતનો જથ્થો બુલડોઝર ફેરવી નાશ કરાયો હતો. આ જડબેસલાક કાર્યવાહી
જોઈને અનેક પ્યાસીઓના જીવ બળી ગયા હશે. આ મેગા કાર્યવાહી બાદ મુન્દ્રા પ્રાંત અધિકારી
ભગીરથાસિંહ ઝાલાએ વિગતો આપતાં જણાવ્યું હતું કે,
બંને પોલીસ મથકનો આઠ ગુનામાં પકડાયેલો લગભગ 6.50 કરોડનો દારૂના જથ્થાનો નાશ
કરાયો છે. જે સમગ્ર કાર્યવાહી મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સની માર્ગદર્શિકા મુજબ સંપન્ન
કરવામાં આવી હતી. આ દરમ્યાન મુન્દ્રા નાયબ
પોલીસ અધિક્ષક આઇપીએસ ગૌતમ વિવેકાનંદ, મુન્દ્રા પીઆઈ શક્તાસિંહ રાણા તથા મરીન પોલીસ મથક પીઆઇ હાર્દિક ત્રિવેદી જોડાયા
હતા. પ્રાંત કચેરી તથા પોલીસ તંત્રના સ્ટાફે વ્યવસ્થા ગોઠવી હતી. (તસવીર : પરેશ રાઠોડ)